ગંભીરા બ્રિજ દુર્ઘટના: પાટાપીંડી સાથે કોંગ્રેસનો વિરોધ
વડોદરા ની મહીસાગરની બ્રિજ ની દુર્ઘટના ના પડઘા જામનગરમાં પણ પડ્યા છે. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગી કાર્યકરો પાટા પિંડી સાથે રોડ રસ્તા પર ઉતર્યા હતા. અને પોલીસ દ્વારા 15 કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.
વડોદરા નજીક મહીસાગર નદી પરના બ્રિઝ તૂટી પડવાના મામલે ગુજરાતમાં ભાજપની સરકારમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેના કારણે ગુજરાતની નિર્દોષ પ્રજાએ ટેક્સ તેમજ જીવ બંને દેવો પડે છે, તેમ દર્શાવીને પોસ્ટર સાથે કોંગી કાર્યકર્તાઓ દ્વારા જાહેરમાં લાલ બંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ વિરોધ પક્ષના નેતા ધવલ નંદા ની રાહબરીમાં કોંગી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. જેમાં કેટલાક કાર્યકર્તાઓએ પોતાના શરીરમાં પાટા પીંડી કરીને માર્ગ પર ઉતર્યા હતા, અને નવતર પ્રકારે વિરોધ દર્શાવી સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આ વેળાએ સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દોડી આવી, શહેર કોંગી પ્રમુખ સહિત 15 કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. જોકે પાછળથી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા છે.