ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા ફાંસો ખાઇ લેનાર મંગેતરનું મોત
જસદણના કનેસરા ગામની ઘટના : યુવતીએ સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન
જસદણના કનેસરામાં ભાવિ ભરથારે તુલસી વિવાહમાં ઠાકોરજીની જાનમાં જવાની ના પાડતા વાગ્દતાને માઠુ લાગી આવ્યું હતું. જેથી યુવતીએ બાવળના ઝાડમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવતીને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના કનેસરા ગામે રહેતી ચંદ્રિકાબેન મનુભાઈ કુકડીયા નામની 23 વર્ષની યુવતી ગત તા.13 ના રોજ પોતાની વાડીએ હતી. ત્યારે ત્રણેક વાગ્યાના અરસામાં બાવળના ઝાડમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવતીને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરતા ભાડલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં ગળેફાંસો ખાઈ લેનાર યુવતી બે ભાઈ એક બહેનમાં મોટી છે. અને તેણીના પિતા ખેતી કામ કરે છે. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીની દોઢ વર્ષ પહેલા જ જસદણ પંથકના જ એક ગામમાં સગપણ થયું છે અને દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહનો પ્રસંગ હોવાથી યુવતીના ગામથી બાજુ ગામમાં ઠાકોરજીની જાન જવાની હતી પરંતુ ભાવી ભરથારે જાનમાં જવાની ના પાડતા યુવતીને માઠું લાગી આવતા બાવળના ઝાડમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભાડલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.