આમા ઝડપી ન્યાય કયાંથી મળે, ગુજરાત હાઇકોર્ટમાં જજની 45 ટકા જગ્યા ખાલી
ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ બાબતે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવ્યો હતો.
શક્તિસિંહના સવાલના જવાબમાં ભારત સરકારે સ્વીકાર્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટમાં કુલ 52 ન્યાયાધીશોની જગ્યાઓ છે. એમાંથી 29 જગ્યાઓ ભરેલી છે, જેની સામે 23 જગ્યાઓ ખાલી છે એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની 45% જગ્યાઓ ખાલી છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, મેં કરેલા સવાલના મળેલા જવાબમાંથી એ પણ ફલિત થાય છે કે, સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા ભલામણ કરાયા પછી પણ કેન્દ્ર સરકાર દ્વારા હસ્તક્ષેપ કરીને કોલેજીયમના નિર્ણયને વિલંબિત કરવામાં આવે છે. ઝડપથી ન્યાય મળે એ અત્યંત જરૂરી હોય છે અને ન્યાય મેળવવા ઈચ્છતા લોકોને ન્યાય માટે પરેશાની ન ભોગવવી પડે તે પણ જરૂૂરી છે.
આ અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, જ્યારે હાઈકોર્ટમાં 45% જેટલી ન્યાયધીશોની જગ્યાઓ ખાલી હોય ત્યારે સ્વભાવિકપણે અરજદારોને ન્યાય મેળવવામાં પણ વિલંબ થાય અને ન્યાયાધીશ ઉપર પણ કામનું બમણું ભારણ રહે છે. જેના કારણે ન્યાય મેળવનારાઓને સહન કરવાનો વારો આવી રહ્યો છે. ખૂબ જ સારા વહીવટની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાલી રહેલા ગેરવહીવટનો આ એક સૌથી મોટો નમૂનો છે.