દંડ-દરોડા અને દમનમાંથી નાના માણસોને મુકત કરો
ભય-ભૂખ અને ભ્રષ્ટાચાર મુકત શાસનનું વચન ભુલાયું: ગુજરાત ખાદ્યતેલ-તેલિબિયાં એસોસિએશનની મુખ્યમંત્રીને રજૂઆત
રાજ્યમાં નાના માણસોની મુશ્કેલીઓ, હેરાનગતિનો અંત આણવા ગુજરાત ખાદ્યતેલ-તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીર શાહે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. રાજ્યમાં વર્ષમાં 1995 થી ભાજપની સરકાર સત્તા રૂઢ છે ને દરેક ચૂંટણીમાં આ સરકાર સારી બહુમતીથી ચુંટાતી આવી છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં બનેલી અમુક ઘટનાઓને કારણે સરકારની પ્રતિષ્ઠા ખંડિત થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. તેમાં પણ ગત સપ્તાહમાં થયેલી અતિવૃષ્ટિથી સડકો તૂટવાની ઘટનાઓ અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાની સમસ્યાઓને કારણે સરકારની પ્રતિષ્ઠા મહદ અંશે ઘવાઈ છે.
પ્રતિષ્ઠા વધુ ન ખરડાય તે માટે આમ જનતા (નાના માણસો, નાના વેપારી અને નાના ઉદ્યોગકારો)ના જખમો પર મલમપટ્ટી કરવી જરૂરી છે. જ્યારે ભાજપની સૌ પ્રથમ સરકાર રાજ્યમાં સત્તારૂઢ થઈ ત્યારે મુખ્ય સુત્ર ભય, ભુખને ભ્રષ્ટાચાર મુકત ગુજરાતનું હતું. પરંતુ સરકારની કાર્યપધ્ધતિથી સામાન્ય લોકોને એવું પ્રતિત થાય છે કે આ દંડ, દરોડા અને દમનની વધુ પડતી હેરાનગતિ છે.
નાના લોકો, નાના વેપારીઓ કે નાના ઉદ્યોગકારોની બહુ નાની ભુલો કે ક્ષતિ હોય કે કોઈ વેરો ભરવામાં કે કોઈ બીલ ભરવામાં થોડી ઘણી ઢીલ હોઈ તો બહુ મોટી માત્રામાં દંડ કે પેનલ્ટી લગાવવામાં આવે છે. નાની અમસ્તી વહીવટી ભૂલને કારણે જો વેરો ભરવામાં ચુક થઈ હોઈ તો જીએસટી નંબર રદ કરવો, માલ સ્થગિત કરવો, વાહનો, દુકાનો કે ઘરોને સીલ મારવા કે અમુક કેસમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી અટકાયત કે ધરપકડ કરવા સુધીના પગલાઓ, રિડેવલપમેન્ટના નામે નાના લોકોના આવાસો તોડી પાડવાના પ્રયાસો વગેરે ખરેખર અતિશયોકિત ભર્યું છે. આવા નાના લોકો, વ્યવસાયકારોને કોઈ પણ પ્રકારની દંડનાત્મક કાર્યવાહી કરતાં પહેલા પોતાની ભૂલ સુધારવાની તક તથા માર્ગદર્શન આપવું જોઈએ.
હંગામી ધોરણે ફરજ પર ચઢેલ ટ્રાફીક વોર્ડન થી શરૂ કરી લગભગ દરેક સરકારી વિભાગના કર્મચારીઓ, પટાવાળા ને કલાર્કથી ઉચ્ચ અધિકારીઓનો દ્રષ્ટિકોણ નકારાત્મક જ રહે છે. તેઓ કાયદાઓ, નિયમો, દરેકમાંથી કઈકને કઈક મુદ્દો શોધી નાના માણસોને કેમ હેરાન કરવા ને તેમની પાસેથી કેમ વધુને વધુ દંડ વસુલવો તેવી જ કાર્યપધ્ધતિમાં પ્રવૃત્તિ રહે છે. આવા અધિકારીઓ, આપના ચુંટાએલ પ્રતિનિધિઓ જેવા કે નગર સેવક, ધારાસભ્ય, સંસદસભ્યોને અમુક કિસ્સાઓમાં મંત્રીઓને પણ ગાંઠતા નથી તે હકીકત પ્રસ્થાપિત થઈ ચુકી છે. ભાજપના જ ધારાસભ્યોએ આ હકીકતનો ખુલ્લો એકરાર અને ફરિયાદ કરેલ છે.
સરકારી તંત્રની આવી નીતિ તાત્કાલીક ધોરણે અટકવી જોઈએ અને …. આવવું જોઈએ નહીંતર આગામી વર્ષોમાં પક્ષને તથા સરકારને હાની પહોંચી શકે છે. પ્રજાને આવા ઝખમો રૂઝાવવામાં સફળતા મેળવવામાં મુખ્યમંત્રી મહત્વનો રોલ ભજવી શકે તેમ હોવાનું ગુજરાત ખાદ્યતેલ-તેલિબિયા એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવાયું છે.