રૈયાધારે માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકી વીજપોલને અડકી જતા મોત
માતા-દીકરીને લઇ નજીકમાં રહેતા બહેનના ઘરે ગયા હતા: પરિવારમાં શોક
રૈયાધારમાં માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકીને વિજથાંભલાથી જોરદાર કરંટ લાગતાં તેનું મોત નિપજતાં પરિવારમાં અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ,રૈયાધાર મચ્છુનગર સામે મફતીયાપરામાં રહેતી કિંજલ ભૂપતભાઇ ધંધાણીયા (ઉ.વ.4) સાંજે સાડા પાંચેક વાગ્યે પોતાની માતા કંચનબેનની સાથે નજીકમાં જ રહેતાં માસી ગોરીબેનના ઘરે ગઇ હતી. ત્યાંથી મા-દિકરી પરત પોતાના ઘરે જવા નીકળ્યા ત્યારે વરસાદ ચાલુ હતો. બંને ઘર નજીક પહોંચ્યા ત્યારે વિજથાંભલાના તાણીયા પાસેથી નીકળતી વખતે કિંજલ તાણીયાને અડી જતાં તેમાંથી જોરદાર કરંટ લાગતાં ફેંકાઇ ગઇ હતી અને બેભાન થઇ ગઇ હતી.
બનાવને પગલે દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. કિંજલના પરિવારજનો પણ દોડી આવ્યા હતાં. તેણીને તુરત જ બેભાન હાલતમાં ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખસેડાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. એ-ડિવીઝનના પીએસઓ વિજયભાઇ નકુમે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ હિતેષઇ જોરૂૂભા જોગડાએ હોસ્પિટલે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્યુ પામનાર કિંજલ એક ભાઇથી નાની હતી. તેના માતા-પિતા છુટક મજૂરી અને બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે. લાડકવાયી દિકરીના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. આસપાસના રહેવાસીઓમાં પણ શોક છવાઇ ગયો હતો.