ભાવનગર કોર્ટમાં નશાખોરની ધમાલ મામલે ત્રણ મહિલા સહિત ચાર પોલીસમેન સસ્પેન્ડ
ત્રણ દિવસ પૂર્વે ભાવનગર કોર્ટ પરિસરમાં નશીલી હાલતમાં આવેલા શખ્સ દ્વારા ધમાલ અને હંગામો મચાવવાની ચકચારી ઘટનામાં આખરે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. વકીલ મંડળની આક્રમક રજૂઆતના પગલે બીજા દિવસથી જ કોર્ટ પરિસરમાં સુરક્ષા સઘન બનાવની દેવાયા બાદ આજે આ મામલે ફરજમાં બેદરકારી બદલ ત્રણ મહિલા સહિત ચાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બનાવની વિગત એવી છે કે, ભાવનગર કોર્ટ સંકુલમાં ગત સોમવારના રોજ નશીલી હાલતમાં મુદતે આવેલા કિશોરસિંહ ઉર્ફે ત્વિક રાજેન્દ્રસિંહ ગોહિલે કોર્ટમાં પ્રવેશ કર્યો હતો.અને કોર્ટ કમ્પાઉન્ડમાં ધમાલ મચાવી હતી. આ પણ અધુરૂૂં હોય તેમ જજની ચેમ્બરમાં બારણાને પાટા મારી મુદ્દત આપવાની માંગણી કરી હતી. દરમિયાનમાં ગંગાજળિયા પોલીસે આવી આ શખ્સને પકડી તેના વિરૂૂધ્ધ કેફી પીણું પીધાનો પ્રોહી. એક્ટ તળે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ, આ ઘટનાના પગલે ન્યાય સંકુલમાં પોલીસ સુરક્ષામાં વ્યપાક છીંડા હોવાના આરોપ સાથે ભાવનગર બાર એસોસિએશનના સભ્યોએ ઉગ્ર ફરિયાદો કરી હતી. અને તાકિદે કોર્ટ સંકુલમાં સઘન સુરક્ષા ગોઠવવા માંગ કરી હતી. બનાવની ગંભીરતાને લઈ ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા અંશુલ જૈને સમગ્ર પ્રકરણની તપાસ ડીવાયએસપી આર.આર સિંઘાલને સોંપી હતી. બીજી તરફ, તપાસના આ ધમધમાટ વચ્ચે આજે સાંજના સુમારે રેન્જ આઇજી ગૌતમ પરમાર, ઈન્ચાર્જ એએસપી અંશુલ જૈને, ડીવાયએસપી સિંઘાલ કોર્ટની આકસ્મિક મુલાકાત લીધી હતી.અને કોર્ટ સંકુલની સુરક્ષાની સમીક્ષા કરી હતી.
જયારે, ત્રણ દિવસ પૂર્વે કોર્ટ સંકુલમાં નશાખોર દ્વારા દંગલ મચાવવાના મામલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ભાવનગર પોલીસ હેડ કર્વાટરના મહિલા પોલીસ કોન્સ્ટેબલ જલ્પાબેન બાલાભાઈ પડયા,જાગૃતિબેન ભગવાનભાઈ જાની,ઉમલાબેન સોનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ મકવાણાને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. આ હુકમના પગલે પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.