ભીમનગરમાં સામુ જોવા મામલે યુવાન પર પિતા-પુત્ર સહિત ચાર શખ્સોની ધોકાવાળી
રાજકોટ શહેરના નાનામવા રોડ ભીમનગરમાં રહેતા યુવાન પર અગાઉની માથાકુટ અને સામુ જોવા પ્રશ્ને ચાર શખ્સોએ ધોકા વડે હુમલો ર્ક્યો હતો. હુમલામાં યુવાનનો પગ ભાંગી નાખ્યો હતો અને માથામાં 11 ટાંકા આવ્યા હતા. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
બનાવની વધુ વિગતો અનુસાર, ભીમનગરમાં રહેતા સંજયભાઇ દેસળભાઇ ખીમસુરિયા (ઉ.વ.29)એ ફરિયાદમાં વિનુ ચંદ્રપાલ, દેવ ઉર્ફે લાલો ચંદ્રપાલ, સુનિલ ચંદ્રપાલ અને ભુપત ચંદ્રપાલનું નામ આપતા તેઓ સામે ફરિયાદ નોંધાઇ છે. સંજયે ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, પોતે કડીયાકામ કરે છે. તા.3નાં રોજ રાત્રે નજીક નસીબ પાનની દુકાને પાન ફાકી ખાવા માટે ગયો હતો. ત્યારે ત્યાં રહેતા વિનુ ચંદ્રપાલ સાથે સામુ જોવા મામલે માથાકુટ થઇ હતી અને ત્યાંથી ઘરેે આવી જમીને ઓસરીમાં રહેતો હતો ત્યારે વિનુ ચંદ્રપાલ તેમનો મોટો દીકરો હોય ઉર્ફે લાલો, નાનો દિકરો સુનિલ, તેનો ભાઇ ભુપત આવી અને ધોકા વડે ચારેયે મારમાર્યો હતો.
ત્યારબાદ દેકારો થતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. તેમજ સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલે સંજયને ખસેડાતા માથાના ભાગે 11 ટાંકા આવ્યા હતા અને પગમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા થયાનું માલુમ પડ્યું હતું. સંજયે જણાવ્યુ હતુ કે, આઠેક વર્ષ પહેલા સુનિલ સાથે વાહન અથડાવવા મામલે માથાકુટ થઇ હતી.