થોરાળા પોલીસ સ્ટેશન પાસે બે યુવાન સહિત જુદા-જુદા ત્રણ સ્થળે ચારે જવલનશીલ પ્રવાહી પીધું
શહેરમા થોરાળા પોલીસ સ્ટેશન પાસે બે યુવાન સહિત જુદા જુદા ત્રણ સ્થળે ચાર લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. ચારેયને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થોરાળામાં આવેલી ન્યુ સર્વોદય સોસાયટીમાં રહેતા જીગ્નેશ માવજીભાઈ પંચાલ (ઉ.વ.26) અને નવા થોરાળામાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ સાગઠીયા (ઉ.વ.45) સાંજના પાંચેક વાગ્યાના અરસામાં થોરાળા પોલીસ સ્ટેશન પાસે હતા ત્યારે ફિનાઈલ પી લીધું હતું. જ્યારે સાધુ વાસવાણી રોડ પર આવેલ દર્શન પાર્ક આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા અંકિતભાઈ સુરેશભાઈ ભાલોડીયા નામના 46 વર્ષના પ્રોઢે રાત્રીના સમયે પોતાના ઘરે હતા ત્યારે એસિડ ગટગટાવી લીધું હતું. જ્યારે જામનગર રોડ ઉપર લાખા બાપાની વાડી પાસે સાંઢીયાપુલ નજીક હુડકો ક્વાર્ટરમાં રહેતા મરીયમબેન ઇમરાનભાઈ કૈડા નામના 45 વર્ષના પ્રોઢાએ મગજ ભમતા ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. જવલનશીલ પ્રવાહી પી લેનાર પ્રોઢા સહિત ચારેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અન્ય બનાવમાં જૂના માર્કેટ યાર્ડ પાછળ આવેલ મંચ્છાનગરમાં રહેતા રામજીભાઈ તળશીભાઈ ઉધરેજીયા નામના 55 વર્ષના આધેડને તેના પુત્ર અજય ઉધરેજીયાએ માર માર્યો હતો. જ્યારે ગોંડલ રોડ પર હિતેશ કાંતિ વાઘેલા નામના 30 વર્ષના યુવક ઉપર વિજય, સંજય, રેખા અને ભાવના સહિતનાએ છરી વડે હુમલો કર્યો હતો. જંગલેશ્વરમાં આવેલ હરી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વિરેન્દ્ર સુદર્શન ચૌહાણ નામના 35 વર્ષના યુવાન સાથે અજાણ્યા શખ્સો ઝઘડો કરી માર માર્યો હતો આ ઉપરાંત ઘંટેશ્વર 25 વારીયા ફાટક પાસે રહેતા વિજય ભુપતભાઈ વાઘેલા નામના 19 વર્ષનો યુવાન સાથે આસિફ સહિતના શખ્સોએ ઝઘડો કરી લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.