રાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇ
શાસ્ત્રીનગરમાં પરિણીતા, મંછાનગરમાં યુવક અને મારૂતીનગર અને માલધારી સોસાયટીના આધેડનું મોત
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર જિંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં શાસ્ત્રીનગરમાં પરિણીતા, મંછાગરમાં યુવક, મારૂૂતીનગર અને માલધારી સોસાયટીના આધેડનું મોત નીપજ્યું છે.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ દોઢસો રીંગ રોડ ફાયર સ્ટેશન પાછળ શાષીનિગર-6માં રહેતાં કિરણબેન મનોજભાઇ કણઝારીયા (ઉ.વ.35) રાતે સાડા બારેક વાગ્યે ઘરે એકાએક તબિયત બગડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ પ્લમ્બીંગ કામ કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
બીજા બનાવમાં કુવાડવા રોડ મારૂૂતિનગર આંબા ભગતની શેરીમાં રહેતાં વસંતભાઇ હરજીભાઇ મેંદપરા (ઉ.વ.57) રાતે અગિયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. તેમને હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. તેઓ ચાર બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે યાર્ડમાં નોકરી કરતાં હતાં.
ત્રીજા બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડી વૃજભુમી માલધારી સોસાયટીમાં રહેતાં દિપકભાઇ વજેશંકરભાઇ જોષી (ઉ.વ.55) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને કર્મકાંડ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. પેરેલીસીસ એટેક આવેલો હોઇ તેઓ બિમાર રહેતાં હોવાનું સગાએ કહ્યુ હતું.
ચોથા બનાવમાં જુના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં લાલપરી પાસે રહેતાં રાજેશભાઇ દેવજીભાઇ રાઠોડ (ઉ.વ.38) સવારે શ્વાસ ચડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં ગમગીની વ્યાપી ગઇ હતી. રાજેશભાઇ ઇમિટેશનની મજૂરી કરતાં હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કેટલાક સમયથી તેમને શ્વાસની બિમારી લાગુ પડયાનું સગાએ કહ્યુ હતું. ચારેય બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, મહેશભાઇ જોગડા, ધર્મેશભાઇ, ધર્મેન્દ્રભાઇ અને પરેશભાઇએ યુનિવર્સિટી પોલીસ અને બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.