અપહરણ-દુષ્કર્મના કેસમાં ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો
એક દશકા પહેલા લાલપુર તાલુકાના મેઘપર / પડાણા ગામમાંથી એક સગીરાનું અપહરણ કરી તેણીને અમદાવાદ, બરોડા, મુંબઈ મુકામે બળજબરીથી લઈ જવામાં આવેલ અને આરોપીઓએ સાથે મળી ખોટા આધાર કાર્ડના આધારે મુંબઈ મુકામે નોટરી સમક્ષ બળજબરીથી લગ્ન કરાવી ખોટા ડોક્યુમેન્ટસ પણ ઉભા કરેલ હતા અને કેસના મુખ્ય આરોપી કિરણદીપસીંગ પુરણસીંગ મજબી દ્વારા સગીર ઉપર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવતા, તેણી ગર્ભવતી થઈ ગયેલ હતી આવી આક્ષેપિત વિગતો સાથેનો કેસ પડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાતા, પોલીસ દ્વારા મહામહેનતે આઠ નવ માસની શોધખોળના અંતે ભોગ બનનાર મળી આવી હતી. ઉપરોકત બનાવ સંબંધનો કેસ જામનગરની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવેલ હતો.
ઉપરોકત કેસ ચાલતા દરમ્યાન પિડીત પક્ષ (મુળ ફરીયાદ પક્ષ) દ્વારા પણ પોતાનો પક્ષ રાખવા ખાનગી વકીલ રોકવામાં આવતા કેસ ખુબજ તકરારી બની ગયેલ હતો અને ભોગ બનનાર સગીરા તેમના માતા-પિતા, ડોંકટર વિગેરેનો પુરાવો કેસને અનુરૂૂપ નામદાર કોર્ટ સમક્ષ આવેલ હતો. મુખ્ય આરોપી કિરણદીપસીંગ પુરણસીંગ સહિતના ચારેય આરોપીઓ તરફે સમગ્ર કેસમાં વકીલ શ્રી કિરણભાઈ બગડાએ તમામ સાક્ષીઓની લંબાણપૂર્વકની ઉલટ તપાસો કરેલ હતી અને કેસની આખરી દલીલ વખતે બચાવ પક્ષે એવી રજુઆતો કરવામાં આવેલ કે, નભોગ બનનારની ઉંમર બાબતેનો કોઈ ઓથેન્ટીક પુરાવો રજુ થયેલ નથી અને ભોગ બનનારની ઉંમર માટે ડેન્ટલ ટેસ્ટ થયેલ છે, તે ડોકટરશ્રીના પુરાવા મુજબ પણ ભોગ બનનાર સગીરા હોવાનું સાબિત થતું નથી, ઉપરાંત ભોગ બનનાર આરોપીઓ સાથે પ્લેનમાં જુદી જુદી જગ્યાએ મુસાફરી કરે છે ત્યારે ખુબજ વ્યસ્ત એવા મુંબઈ અને દિલ્હીના એરપોર્ટ ઉપર પણ કોઇને ફરીયાદ કરતી નથી ઉપરાંત ભોગ બનનારે જ પુરાવો આપેલ છે તે સ્ટર્લીંગ કવોલીટીનો જણાઈ આવતો નથી અને ભોગ બનનાર આ બનાવમાં ક્ધસેન્ટીંગ પાર્ટી એટલે કે સહમત પક્ષકાર હોય તેવું પુરાવા ઉપરથી જણાઈ આવે છે અને જ્યારે પોકસોના કેસમાં જો ભોગ બનનાર સગીરા હોવાનું સાબિત થતું ન હોય તો તેણી ક્ધસેન્ટીંગ પાર્ટી છે તેવો આરોપી પક્ષનો બચાવ ગ્રાહ્ય રાખવો જોઈએ ઉપરાંત આરોપી કેસ ચાલતા દરમ્યાન ભાગેડુ જાહેર થયેલ છે તેટલા જ કારણે તેની વિરુદ્ધનો કેસ સાચો છે તેવું માની લેખાય નહી.
ઉપરોકત ચર્ચાસ્પદ અને પોકસોના કાયદા હેઠળના ગંભીર બનાવનો તકરારી કેસ અત્રેની પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા એવું મહત્વનું તારણ આપવામાં આવેલ કે, ભોગ બનનારનો પુરાવો વિવિધતાવાળો હોય અને ભરોસોપાત્ર ન હોય તેથી આવા પુરાવાના આધારે આરોપીઓને તકસીરવાન ઠરાવી શકાય નહી તેવું ઠરાવી આ કેસના આરોપીઓ કિરણદિપસિંગ પુરણસિંગ, કેવલસિંગ બલબીર સિંગ ઉર્ફે ગોલ્ડી, મનજીતસિંગ જોગીન્દરસિંગ તથા ઇન્દ્રજીતકૌર મનજીતસિંગનો અત્રેની સ્પે. કોર્ટના જજ એમ.કે. ભટ્ટ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. ઉપરોકત કેસમાં આરોપીઓ તરફે વકીલ કિરણભાઈ બી. બગડા, સંજય સી. દાઉદિયા, જયન ગણાત્રા તથા પાર્થ કે. બગડા રોકાયા હતા.