જેતપુરમાં પાલક પિતાનો પુત્રી પર બળાત્કાર
રાત્રીના સમયે એકલતાનો લાભ લઈ પુત્રીને હવસનો શિકાર બનાવી: પોકસો-દુષ્કર્મની કલમ હેઠળ ગુનો
રાજકોટ જિલ્લા જેતપુર તાલુકામાં એક ચકચારી બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેતપુરમાં સાવકા પિતાએ તેમની પુત્રી પર રાત્રિના સમયે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો બનાવ જેતપુર સિટી પોલીસ મથકમાં નોંધાતા આરોપી સામે પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેમને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ, જેતપુર સિટીમાં રહેતા એક મહિલાએ તેમના પતિ અશોક મકવાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે જેતપુર શહેર પોલીસ મથકના સ્ટાફે આરોપી સામે પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. મહિલાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના અગાઉ લગ્ન થયા હોય તેના થકી તેમને સંતાનમાં એક બાર વર્ષની દીકરી છે.
તેમને પ્રથમ પતિ સાથે અણબનાવ બનતા બન્ને અલગ થઈ ગયા હતાં અને બાદમાં મહિલાએ બીજા લગ્ન અશોક મકવાણા સાથે કર્યા હતાં. ત્યારબાદ સગીર પુત્રી અને માતા આ અશોક સાથે જેતપુરમાં રહેતા હતાં.ત્યારબાદ આ અશોક મકવાણાની નજર બગડતા તેમની પુત્રીની અવારનવાર છેડછાડ કરતો હોય તેમજ થોડા દિવસ પહેલા રાત્રિના સમયે અશોકે તેમની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. ત્યારબાદ ગુમસુમ રહેતી પુત્રીએ સમગ્ર વાત તેમની માતાને કરતાં માતાએ તેમના પતિને હકીકત જણાવી હતી.
જેથી પતિ અશોકે લાજવાને બદલે ગાજીને માતા-પુત્રીને ધમકાવ્યા હતાં અને માતાએ પુત્રીને સાથે રાખી જેતપુર સિટી પોલીસ મથકે પહોંચી જઈ પતિ અશોક મકવાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદને આધારે હાલ સગીરાનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. નરાધમ શખ્સને પકડી લેવા જેતપુર સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.