ભેસાણના ગળથ ગામના પૂર્વ સરપંચ તાલુકા ભાજપ મંત્રીની હત્યાથી તંગદિલી
ભેસાણ તાલુકાના ગળથમાં રહેતા તાલુકા ભાજપના મંત્રી ગત રાત્રીના ઘરેથી નીકળ્યા બાદ ગામ નજીકથી તેનો લોહીલોહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. સ્થળ પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. આ અંગે જાણ થતા ભેસાણ પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહને પી.એમ.માં ખસેડયો હતો. ભેસાણ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટયા હતા. તેઓએ હત્યારાઓને તાકિદે પકડવા માંગ કરી હતી. હાલ પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગેની વધુ વિગત મુજબ, ભેસાણ તાલુકાના ગળથ ગામમાં રહેતા પૂર્વ સરપંચ અને હાલ ભેસાણ તાલુકા ભાજપના મંત્રી તરીકે સેવા આપતા વિનુભાઈ કેશુભાઈ ડોબરીયા(ઉ.વ. 59) ગત રાત્રીના દસેક વાગ્યે બાઈક લઈ ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત સુધી ઘરે પરત આવ્યા ન હતા. આ દરમ્યાન ગામ નજીક આવેલી દરગાહ પાસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં વિનુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોએ આ અંગે જાણ કરતા ભેસાણ પીએસઆઈ એમ.એન. કાતરીયા સહિતના સ્ટાફે સ્થળ પર જઈ તપાસ કરતા વિનુભાઈને ગળા, છાતી તથા પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન જોવા મળ્યા હતા. મૃતદેહની હાલત પરથી અજાણ્યા શખ્સોએ કરેલા ક્રૂરતાપુર્વકના હુમલામાં વિનુભાઈના આંતરડા બહાર નીકળી ગયા હતા અને સ્થળ પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.
પોલીસે મૃતદેહને ભેસાણ પી.એમ.માં ખસેડયો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. તેઓએ આરોપીઓને તાત્કાલીક પકડવાની માંગ કરી હતી. આ મામલે મૃતક વિનુભાઈ ડોબરીયાના ભાઈ ચંદુભાઈ ડોબરીયાએ ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂૂધ્ધ હત્યાનો ગુનો દાખલ કરી સીસીટીવી તેમજ કોલ ડિટેઈલના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હત્યારાઓ ટુંક સમયમાં પકડાઈ જાય તેવો પોલીસને આશાવાદ છે. હવે હત્યારાઓ ક્યારે પોલીસના હાથમાં આવે છે એ જોવું રહ્યું. જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, પક્ષના કાર્યકરની હત્યાથી ગમગીની વ્યાપી છે. આરોપીઓને તાત્કાલીક પકડી કડક સજા થાય તે માટે એસપીને રજુઆત કરવામાં આવી છે