દૂધસાગર ડેરીના રૂા.14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે ચાર્જફ્રેમ કરાયા
સ્પે.એસીબી કોર્ટમાં કેસ ચલાવાશે, એકની જગ્યાએ બે પગાર બોનસ આપી કૌભાંડ આચર્યું હતું
મહેસાણાની દૂધસાગર ડેરીના 14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી સહિત ત્રણ આરોપીઓ સામે સ્પે. એસીબી કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યો છે. જેથી આ આરોપીઓ સામે આગામી દિવસોમાં કેસ ચાલવા પર આવશે. આ કેસમાં આરોપી મોઘજીભાઇ પટેલને હાઇકોર્ટનો સ્ટે હોવાથી તેમના પૂરતો ચાર્જફ્રેમ થઇ શક્યો નથી. સ્પે. એસીબી કોર્ટમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ માનસિંગભાઇ ચૌધરી, આશાબહેન મહિપાલસિંગ ઠાકોર, એન.જે. બક્ષી સામે ખાસ સરકારી વકીલ વિજય બારોટની હાજરીમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યો છે.
જેમાં તેમની સામે એવો આરોપ મૂકાયો છે કે, ડેરીના ચેરમેન આશાબેન મહીપાલસિંહ ઠાકોર, વાઇસ ચેરમેન મોઘજીભાઇ ધનજીભાઇ પટેલ તથા એમડી એન.જે. બક્ષીએ કાવતરું કરી વિપુલ ચૌધરીને રૂૂ.9 કરોડની ચૂકવણીમાં મદદરૂૂપ થવાના આશયથી સંઘના કર્મચારીઓને અગાઉ પ્રતિ વર્ષ એક પગાર બોનસ આપતા હતા, તેના બદલે વધુ બે બોનસ આપવાનું નક્કી કર્યું હતું. દૂધસંઘ નફો ના કરતો હોવા છતાં નિર્ધારીત બોનસ આપવાની જાહેરાત કરાઇ હતી. જેને લઇ 8 ઓગસ્ટ, 2019ના રોજ મંડળીના કર્મચારીઓની શાખ અને પુરવઠા સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા ડેરીના ઓડિટોરિયમમાં મળી હતી, જેમાં સંઘના મોટાભાગના કર્મચારી તથા સભાસદો સાથે ચેરમેન આશાબેન ઠાકોર, એમડી એન.જે. બક્ષી અને સહયોગના ચેરમેન ભરતભાઇ ચૌધરી હાજર હતા.
આ સભામાં દૂધ સંઘના નિયામક મંડળે વાર્ષિક સાધારણ સભા દ્વારા મંજૂર કરેલા બજેટને ધ્યાનમાં લીધા વગર મનસ્વી રીતે બોનસ જાહેર કર્યું હતું. તેમજ એમડી એન.જે. બક્ષીએ સભામાં કહ્યું હતું કે, વિપુલભાઇને સાગરદાણ બાબતે રૂૂ.9 કરોડ સંઘમાં જમા કરાવવાના હોઇ આ વર્ષે તમામ કર્મચારીઓને 18% લેખે બોનસ આપવાનું છે. આ બોનસમાંથી 80% રકમ તમારે સંઘને પાછી જમા કરાવી દેવાની રહેશે. જાહેરાત કર્યા બાદ સંઘના 1932 કર્મચારીઓ પાસેથી બોનસની રકમ પરત લેવા 30 જેટલા અધિકારી, કર્મચારીઓને પ્રમોશન અને હોદ્દા આપવાની લાલચ આપી એમડી બક્ષીએ અધિકારી, કર્મચારીઓના નામજોગ સિક્કા પણ ડેરીના ખર્ચે બનાવ્યા હતા. તા.14 ઓગસ્ટથી નક્કી થયેલા 8.33% બોનસની જગ્યાએ 18% બોનસના કુલ રૂૂ.14,80,70,022 જમા કરાવ્યા બાદ કૌભાંડ આચર્યું છે. આજે ચાર્જફ્રેમ થતા આગામી દિવસોમાં કેસ ચાલવા પર આવશે.