GTPLના પૂર્વ કર્મીએ ઈન્ટરનેટ કનેકશનના નામે ચાર લોકો પાસેથી નાણાં ખંખેરી લીધા
શહેરમાં જીટીપીએલના પૂર્વ કર્મચારીએ ઈન્ટરનેટ કનેકશન અપાવવાના બહાને અલગ અલગ ચાર લોકો પાસેથી નાણા ખંખેરી લઈ બાદમાં કનેકશન નહીં મળતાં ભોગ બનનાર લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અલગ અલગ ચાર ગુના નોંધી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ અગાઉ પણ 19 લોકો સાથે આજ રીતે છેતરપીંડી કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ ચુકી છે.
જાણવા મળતી વિગત મુજબ, જંગલેશ્વર કીર્તિધામ સોસાયટી-1માં રહેતા ફિરોઝખાન લતીફખાન પઠાણે મૌલિક જગદીશ ભગલાણી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બંને પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે ઇન્ટરનેટની જરૂૂરિયાત હોય જીટીપીએલનું કનેક્શન લીધું છે. દરમિયાન ચાલુ મહિનામાં ઇન્ટરનેટ કનેક્શન રિન્યૂ કરાવવા માટે જીટીપીએલના કર્મચારી મૌલિકનો સંપર્ક કર્યો હતો. તેને રૂૂબરૂૂ મળી કનેક્શન ચાલુ કરાવવા માટે રૂૂ.6363ની રકમ ઓનલાઇન કરી આપો એટલે તમારો પ્લાન શરૂૂ થઇ જશે. જેથી તેની પાસેથી એકાઉન્ટ નંબર મેળવી રૂૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં મૌલિકે પોતાને રશીદ પહોંચાડી દીધી હતી. દિવસો વિતવા છતાં કનેક્શન ચાલુ નહિ થતાં મૌલિકને ફોન કરવા છતાં રિસીવ નહિ કરતા પોતે જીટીપીએલની ઓફિસે ગયો હતો. જ્યાં તપાસ કરતા મૌલિક નામનો કોઇ તેમનો કર્મચારી નહિ હોવાનું અને રસીદ પણ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોતાની સાથે મૌલિક નામના શખ્સે છેતરપિંડી કરતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બીજા બનાવમાં નિલકંઠ પાર્કમાં રહેતા અને બાપુનગર ચોકમાં અલંગ હાઉસ ધરાવતાં વેપારી રહીલ રસીદભાઈ ફુંફાડ (ઉ.21)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૌલીક જગદીશભાઈ ભગલાણીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણે ગોડાઉનમાં કેમેરા અને ઈન્ટરનેટની જરૂર માટે જીટીપીએલનું કનેકશન લગાવેલ હતું. જેમાં આરોપીએ ફોન કરી ‘હું જીટીપીએલમાંથી બોલું છું તમારું રિચાર્જ પુરૂ થઈ ગયું છે’ તેમ કહેતા ફરિયાદીએ ગોડાઉન પર આવવાનું જણાવતાં આરોપીએ ગોડાઉન ઉપર આવી રિચાર્જ કરવા માટે રૂા.12726 તેના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા બાદ કાલે રિચાર્જ થઈ જશે અને હું પહોંચ મોકલાવી દઈશ’ તેમ કહી નિકળી ગયો હતો. બાદમાં ફોન ઉપાડતાં બંધ થઈ ગયો હતો જેથી છેતરપીંડી થયાની જાણ થઈ હતી. આ ઉપરાંત ખોડીયાર સોસાયટીમાં રહેતા અને વિરાણી અઘાટમાં કારખાનામાં કામ કરતાં હરેશભાઈ હંસરાજભાઈ કતબા સાથે પણ આરોપી મૌલીક ભગલાણીએ જીટીપીએલના કનેકશનમાં રિચાર્જ કરવાનું કહી રૂા.6999 મેળવી લઈ બાદમાં રિચાર્જ નહીં કરી છેતરપીંડી આચરી હતી. જ્યારે અન્ય એક ભોગ બનનાર પણ સામે આવ્યા છે જેની સાથે આવી જ રીતે છેતરપીંડી થઈ હોય જે અંગે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ભક્તિનગર પોલીસે ઉપરોકત ચારેય ભોગ બનનારની અલગ અલગ ફરિયાદ પરથી આરોપી મૌલીક ભગલાણી સામે છેતરપીંડી અને ખોટી ઓળખ આપવાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ઉપરોકત આરોપીએ અગાઉ 2023માં પણ ગાંધીગ્રામ વિસ્તારમાં 19 લોકો સાથે આ પ્રકારની છેતરપીંડી આચર્યા અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાતા તેની ધરપકડ થઈ હતી. વધુમાં આરોપી અગાઉ જીટીપીએલમાં નોકરી કરતો હોય પરંતુ તેની ચાલચલગત ખરાબ હોવાથી તેને નોકરીમાંથી કાઢી મુકયો હોવાનું જાણવા મળ્યું છે.