ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ‘આપ’ના માંડવે
લાંબા સમયથી ભાજપ સામે નારાજગી બાદ ‘આપ’ના કાર્યક્રમમાં હાજર રહેતા રાજકીય નવાજૂનીના સંકેત
વિસાવદર ધારાસભાની પેટા ચુંટણીના પરિણામો બાદ જુનાગઢ જિલ્લાના રાજકારણમાં મોટી ઉથલ પાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે. ભાજપના પૂર્વ મંત્રી અને માણાવદરના પુર્વ ધારાસભ્ય જવાહર ચાવડા આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં હાજર રહેતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે અને છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ જવાહર ચાવડા આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળોએ જોર પકડયું છે.
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાની આમ આદમી પાર્ટીના નેતાઓની સભામાં હાજરીએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
આ ઘટનાએ જૂનાગઢના રાજકારણમાં કોઈ મોટો ભૂકંપ સર્જાય તેવી સંભાવનાઓ ઊભી કરી છે. અમરાપુર બેઠકનાં આકાળા અને વિરડી ગામે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભામાં ભાજપના નેતા જવાહર ચાવડા હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમના આમ આદમી પાર્ટીના આગેવાનો સાથેની બેઠકોના ફોટા પણ વાયરલ થયા હતા. જેના કારણે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે. જવાહર ચાવડા ભાજપના એક મોભાદાર નેતા તરીકે ઓળખાય છે.
જોકે છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવા સમયે તેમની આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં હાજરીએ અનેક સવાલો ઊભા કર્યા છે.
રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે આ ઘટના આગામી દિવસોમાં મોટા રાજકીય પરિવર્તનનો સંકેત આપી રહી છે.જવાહર ચાવડા રાજકીય રીતે નવાજુની કરે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે. શું તેઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાશે? કે પછી આ માત્ર રાજકીય દાવપેચનો એક ભાગ છે? આ તમામ સવાલોના જવાબ આગામી દિવસોમાં જ મળશે. પરંતુ હાલ પૂરતું આ ઘટનાએ જૂનાગઢના રાજકારણમાં મોટી હલચલ મચાવી દીધી છે.
આ ઉલ્લેખનીય છે કે, વિસાવદરની પેટા ચુંટણીમાં પણ જવાહર ચાવડાની ભૂમિકા સામે સવાલો સર્જાયા હતા. જો કે, ભાજપના કોઇ નેતા આ મામલે મોઢુ ખોલવા તૈયાર નથી કે, શિસ્તબધ્ધ ગણાતી પાર્ટી કોઇ પગલા પણ ભરી શકતી નથી.