શુક્રવારથી ભાજપના મહાનગરો- જિલ્લા પ્રમુખો માટે ફોર્મ ભરવાનું શરૂ
ભારતીય જનતા પાર્ટીએ બૂથ કમિટીઓ અને મંડલ પ્રમુખોની જાહેરાત કરી દીધા પછી હવે 3 જાન્યુઆરીથી 9 મહાનગરો અને 33 જિલ્લાના પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. જિલ્લા અને મહાનગરો માટે ભાજપે અગાઉથી જ 60 વર્ષની વયમર્યાદા નિયત કરી છે. 50 ટકા જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખ માટેની પ્રક્રિયા પૂરી થતાં જ પ્રદેશ પ્રમુખ માટેનો ચૂંટણી કાર્યક્રમ હાથ પર લેવાશે.
સંગઠન પર્વના પ્રદેશ ક્ધવીનર ઉદય કાનગડે આજે ઔપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 50 હજાર જેટલી બૂથ કમિટીઓ તથા 580માંથી 512 મંડલ પ્રમુખોની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. આથી હવે બીજા મહત્ત્વના તબક્કામાં 41 જિલ્લા-મહાનગરોના પ્રમુખ માટે ચૂંટણી પ્રક્રિયા 3 જાન્યુઆરીથી શરૂૂ કરવામાં આવી રહી છે.
આ માટે મંડલ પ્રમુખોની જેમ જ દરેક જિલ્લા કાર્યાલય ઉપર બે દિવસ માટે કોઇપણ પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકશે. ભાજપે મંડલ પ્રમુખોની જેમ જ આ માટે પણ કેટલાક ધારાધોરણો નક્કી કરેલા છે એ મુજબ ફોર્મની ચકાસણી થશે. ફોર્મની ચકાસણી બાદ નિરીક્ષકો દ્વારા જિલ્લા, મહાનગરોની મુલાકાત લઇ આગેવાન કાર્યકરોને રૂૂબરૂૂ મળી એમની પાસેથી જે કાર્યકરોએ ફોર્મ ભર્યા હશે એમના અંગેની સેન્સ લેશે. ત્યારબાદ પ્રદેશ મોવડીમંડળ દ્વારા જિલ્લા અને મહાનગરોના પ્રમુખોના નામોને આખરી કરી જાહેર કરાશે.
ભાજપના બંધારણ મુજબ, 50 ટકા જિલ્લા, મહાનગરોના પ્રમુખોની જાહેરાત થાય એ સાથે પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માટે કેન્દ્રીય નિરીક્ષકો અને ચૂંટણી અધિકારીઓ ગુજરાત આવશે. હાલ ભાજપ ઉત્તરાયણ સુધીમાં આ તમામ કામગીરી પૂરી કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલાં પચાસ ટકા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ જાહેર થવા જોઇએ.