શાપર-વેરાવળમાં પારકી ઓરડીમાં વિદેશી દારૂ છુપાવ્યો : 6.35 લાખનો 1440 બોટલ દારૂ કબજે
શાપર વેરાવળમાં ગુનાખોરી વધી રહી છે ત્યારે બુટલેગરોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. જેમાં વેરાવળ સહકારી મંડળી પાસે આવેલ ખુલ્લી પારકી ઓરડી પર બુટલેગરોએ કબજો જમાવી તેમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની ઓરડીના માલીકે પોલીસને જાણ કરતાં પોલીસે દરોડો પાડી તપાસ કરતાં રૂા.6.35 લાખની કિંમતના 1440 બોટલ વિદેશી દારૂ અને છોટા હાથી મળી આવતાં પોલીસે ગુનો નોંધી બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળ સહકારી મંડળી પાસે આવેલ ખુલ્લી ઓરડીમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી તપાસ કરતાં ઓરડીમાંથી જુદી જુદી બનાવટનો 6,35,460ની કિંમતનો 1440 બોટલ વિદેશી દારૂ અને ઓરડી પાસેથી છોટા હાથી મળી આવતાં કબજે કરી બે અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કરી તેઓની શોધખોમ હાથ ધરી છે.
પોલીસની તપાસમાં વેરાવળ સહકારી મંડળી પાસે આવેલ ઓરડી સતિષભાઈ લક્ષ્મણભાઈ કાપડીયાની માલિકીની હોવાનું અને આ ઓરડી મજુરો માટે ખુલ્લી રહેતી હોય જેના પર બુટલેગરોએ કબજો કરી ઓરડીમાં વિદેશી દારૂ છુપાવી તાળા મારી દીધા હતાં. જેની જાણ ઓરડીના માલિકને થતાં તેણે પોલીસને જાણ કરી હતી. જેના આધારે શાપર વેરાવળ પીએસઆઈ આર.કે.ગોહિલ, જી.બી.જાડેજા, સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસે સીસીટીવી ફુટેજના આધારે પારડી ઓરડી પર કબજો કરી વિદેશી દારૂ છુપાવનાર બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.