For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સતત ત્રીજા દિવસે મેઘરાજાની સટાસટી, શેત્રુંજી પ્રથમવાર છલકાયો

01:24 PM Sep 30, 2024 IST | Bhumika
સતત ત્રીજા દિવસે મેઘરાજાની સટાસટી  શેત્રુંજી પ્રથમવાર છલકાયો
Advertisement

ગુજરાતમાં સરેરાશ 137 ટકા વરસાદ પડી ગયો, દુકાળીયા પ્રદેશ કચ્છમાં સૌથી વધુ 185 ટકા અને સૌરાષ્ટ્રમાં 147 ટકા વરસાદ પડી ગયો

24 કલાકમાં વધુ 134 તાલુકામાં ઝાપટાથી માંડી 5.5 ઈંચ વરસાદ, નર્મદાની સપાટી 138.61 મીટરે પહોંચી

Advertisement

રાજકોટ,તા. ગુજરાતને સતત ત્રીજા દિવસે વરસાદે ધમરોળ્યું હતું અને આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 134 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી માંડી 4.5 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે તો જૂનાગઢમાં ગિરનાર ઉપર માત્ર ત્રણેક કલાકમાં 8 ઈંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે ગુજરાતનો સરેરાશ વરસાદ 137 ટકા થયો છે રાજ્યની વરસાદની વાર્ષિક ઓવરેજ 883 મીમી છે તેની સામે આજે સવાર સુધીમાં 1212 મીમી વરસાદ પડી ગયો છે.

આ સિવાય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દુષ્કાળીયા પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં 184 ટકા નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ 147 ટકા વરસાદ પડી જતાં અનેક જિલ્લામાં લીલો દુકાળ પડયો હોય તેવી સ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકાઓમાં પડેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગરના પાલિતાણા નજીક આવેલો શેત્રુંજી ડેમ આ સિઝનમાં પ્રથમ વખત છલકાયો હતો અને આજે સવારે શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા હતાં. આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ સતત ઓવરફલોની નજીક છે તેની સપાટી હાલ 138.61 મીટરે પહોંચી છે.

દરમિયાન આજે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વિસાવદરમાં 4.5 ઈંચ, વડોદરામાં 4 ઈંચ, જૂનાગઢમાં 3॥। ઈંચ, ગઢડામાં 3.5, તાલાલા-ગીરગઢડા-પાદરામાં 3.25 ઈંચ, તથા ખાંભા, ડેડીયાપાડા, મેંદરડા, ઉના સહિતના વિસ્તારોમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવાર સુધીમાં રાજ્યના 22 તાલુકાઓમાં 1 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 53 તાલુકામાં અડધો ઈંચ થી વધુ વરસાદ પડયો છે.

સતત વરસાદના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં લીલાદુષ્કાળ જેવી સ્થિતિ સર્જાયેલ છે. વડોદરામાં ગઈકાલે દિવસ દરમિયાન સાડા ચાર ઈંચ વરસાદ પડી જતાં વિશ્ર્વમિત્રીનું જળસ્તર ફરી ભયજનક સપાટીએ પહોંચ્યું છે અને વડોદરામાં નીચાણવાળ વિસ્તારોમાં પાણી ઘુસી જતાં વડોદરા ઉપર ફરી એક વખત પૂરનું સંકટ સર્જાતા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.

આ સિવાય જૂનાગઢમાં પણ ગઈકાલે ગીરનાર ઉપર માત્ર 2 થી 3 કલાકમાં આઠ ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં અને જૂનાગઢ શહેરમાં પણ સાડા ત્રણ ઈંચ જેવો વરસાદ પડી જતાં રાત્રે જૂનાગઢમાં પણ ફરી એક વખત પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં આજે સવારથી જ વહીવટી તંત્ર દોડધામ કરતું જોવા મળ્યું છે. જો કે મોડીરાત્રે વરસાદે વિરામ લેતાં તંત્ર અને લોકોએ રાહતનો દમ લીધો હતો. બે દિવસ પહેલા પણ જૂનાગઢને મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement