ખંભાળિયામાં પ્રથમ વખત રઘુવંશી બાળકો માટે ખેલ મહોત્સવ યોજાયો
મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો: વિજેતાઓને કરાયા પુરસ્કૃત
ખંભાળિયામાં રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દેવભૂમિ દ્વારકા રઘુવંશી કર્મચારી સંગઠન મંડળના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અત્રે જુની લોહાણા મહાજન વાડી ખાતે સૌ પ્રથમ વખત રઘુવંશી બાળકો માટે રઘુવંશી ખેલ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
રઘુવંશી બાળકોમાં શારીરિક રમત પ્રત્યે રુચિ વધે તેમજ આજના ટેકનોલોજીના સંશાધનો પ્રત્યે બાળકોનો જે અતિરેક વધ્યો છે એ ઘટે સાથે જૂની જૂની ઘણી રમતો કે જે હવે લુપ્ત થતી જાય છે, એને જીવંત કરવાના ઉમદા આશયથી રઘુવંશી ખેલ મહોત્સવનું આયોજન થયું હતું. શિક્ષણની સાથો સાથ બાળકો રમત પ્રત્યે પણ જાગૃત થાય તે માટે ખંભાળિયામાં રહેતા રઘુવંશી પરિવારનાં ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા બાળકો માટે ના આયોજનમાં ધોરણ 1 થી 3 ના કૃષ્ણ ગ્રુપ, ધોરણ 4 થી 6 ના રામ ગ્રુપ, ધોરણ સાત થી નવ ના વિષ્ણુ ગ્રુપ તથા ધોરણ 10 થી 12 ના બનાવવામાં આવેલા શિવ ગ્રુપ માટેની યોજવામાં આવેલી સ્પર્ધાઓમાં વિવિધ રમતો રમાડવામાં આવી હતી. જેમાં કુલ 304 જેટલા બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો.
અભ્યાસની સાથોસાથ બાળકોની રમતમાં પણ રુચિ વધે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે રઘુવંશી કાર્યકરો દ્વારા આ પ્રયાસ કરાયો હતો. જેમાં સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. પ્રત્યેક રમતમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમ મેળવનારને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ તેમજ દાતાઓ દ્વારા બાળકોને પુરસ્કારો દ્વારા પુરસ્કૃત કરી તેમના જુસ્સાને વધારવામાં સહકાર આપવામાં આવ્યો હતો. આ આયોજન માટે સંસ્થાના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બરો, લેડીઝ કમિટી મેમ્બરો દ્વારા તેમજ દેવભૂમિ દ્વારકા રઘુવંશી કર્મચારી સંગઠન મંડળ દ્વારા ખભેખભા મિલાવીને નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.આ આયોજનની સફળતા બદલ સ્પર્ધકો, તેમના વાલીઓનો, તમામ સંસ્થાઓ અને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.