બાંધકામ વેસ્ટ ફેંકવા માટે હવે ડિપોઝિટ ભરી મંજૂરી લેવી પડશે
- મહાપાલિકાએ નિયત કરેલ સ્થળ સિવાય અન્ય જગ્યાએ વેસ્ટ નાખનાર દંડાશે
નિર્મળ ગુજરાત અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા શહેર સ્વચ્છ બનાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં વોર્ડવાઈઝ સ્વચ્છતા અભિયાન હાથ ધરી ટન મોઢે કચરો કાઢવામાં આવી રહ્યો છે. જેની સામે બાંધકામ વેસ્ટનો નિકાલ કરવાનું કામ પણ અઘરૂ બની રહ્યું છે. પરિણામે પર્યાવરણ વિભાગે બાંધકામ વેસ્ટ જ્યાં ત્યાં ફેંકનાર સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી રહી છે.પરંતુ આગામી દિવસોમાં બાંધકામ વેસ્ટ ફેંકવા માટે હવે બિલ્ડર અથવા વેસ્ટ નાખનારે મહાનગરપાલિકામાં ડિપોઝીટ ભરી મંજુરી લીધા બાદ મનપાએ નિયત કરેલ સ્થળ ઉપર વેસ્ટ નાખવાનો રહેશે નહીંતર ભારે દંડનો સામનો કરવો પડશે.
શહેરમાં આવેલા ખાલી પ્લોટ તેમજ વોકળાઓ અને ખાડાઓમાં મેડીકલ વેસ્ટ નાખવાની પ્રથા વર્ષોજૂની બનતી જાય છે. રાત્રીના સમયે ટ્રેક્ટર અને ડંપરો બાંધકામ વેસ્ટ ખાલી કરી જતાં હોય મનપા દ્વારા અનેક વખત વોચ ગોઠવી બાંધકામ વેસ્ટ નાખનારને ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરાય છે. તેવી જ રીતે બિલ્ડરો અને જુનું બાંધકામ તોડીને નવું બાંધકામ કરનાર આસામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે તેવી જ રીતે મહાનગરપાલિકાએ ત્રણેય ઝોનમાં બાંધકામ વેસ્ટ નાખવા માટેના સ્થળ નક્કી કરી આ સ્થળે જ વેસ્ટ નાખવાની સુચના આપવામાં આવી છે. છતાં આજે પણ નદી વિસ્તારો તેમજ ખાલી પ્લોટ પર બાંધકામ વેસ્ટના ઢગલા જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં સીએન વેસ્ટના કમ્પોઝ માટે પ્લાન્ટ શરૂ કરવામાં આવનાર છે. સંભવત 15 માર્ચ સુધીમાં પ્લાન્ટ ચાલુ થઈ જવાનો છે. ત્યારે બાંધકામ વેસ્ટ માટેના નવા નિયમો અમલમાં મુકવામાં આવશે.
જે મુજબ જુના બાંધકામનો વેસ્ટ હવે મનપાએ નિયત કરેલ સ્થળ ઉપર નાખવાનો રહેશે અને સાથો સાથ ડિપોઝીટ પ્રથા શરૂ કરાઈ છે. જે મુજબ પ્રથમ ડિપોઝીટ ભરી પર્યાવરણ વિભાગની મંજુરી લીધા બાદ સીએન્ડ વેસ્ટ પ્લાન્ટ ખાતે બાંધકામ વેસ્ટ નાખવાનો રહેશે. છતાં શહેરમાં જ્યાં ત્યાં વેસ્ટ નાખનારને ભારે દંડ ભોગવવાનો વારો આવશે. સીએન વેસ્ટ પ્લાન્ટ શરૂ થયાબાદ ડિપોઝીટ અને મંજુરીની પ્રથા અમલમાં આવશે તેમ જાણવા મળશે.