કોર્પોરેશનની નોકરી છોડવા વણજાર, વધુ બે અધિકારીએ ફેંક્યા રાજીનામા
ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ મહાનગરપાલિકામાં અનેક અધિકારીઓએ રાજીનામા આપી નોકરી છોડી છે તેમજ અમુક અધિકારીઓના રાજીનામા આજે પણ મંજુરીની રાહમાં પેન્ડીંગ રહ્યા છે. ત્યારે જ આજે વોટરવર્કસ વિભાગમાં વધુ બે અધિકારીઓએ રાજીનામા મુક્યા હોવાનું જાણવા મળેલ છે. હાલ મનપામાં જૂના અધિકારીઓનો દુકાળ હોય આજે વધુ બે સિનિયર અધિકારીઓએ રાજીનામા આપતા અનેક તર્કવિતર્ક સર્જાયેલ છે.
મનપામાં રાજીનામાનું દૌર ઘણા સમયથી શરૂ થયો છે. વર્ષો જૂના અનુભવી અધિકારીઓ ટપોટપ રાજીનામા આપવા લાગ્યા છે. અગાઉ અનેક અધિકારીઓએ નોકરી છોડી દીધી છે. તેમાં તાજેતરમાં વોટવકર્સના એક ઉચ્ચ અધિકારીએ રાજીનામાું આપ્યું હતું. જે પરત થયાનું ચર્ચાઈ રહ્યું છે તેવી જ રીતે દુકાળ દ્રસ્ત થયેલ ફાયર વિભાગના હેડ દવેએ પણ રાજીનામું આપેલ જે સમજાવટના અંતે પાછુ ખેંચ્યુ હતું તેવી જ રીતે અલગ અલગ વિભાગના અનુભવી સિનિયર અધિકારીઓએ પણ રાજીનામા આપેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેને મંજુરી આજ સુધી મળી નથી. અમુક કૌભાંડોમાં નામ ગાજેલા હોય તેવા અધિકારીઓ નોકરી છોડી છુટા થઈ ગયા છે અને આજે મહાનગર પાલિકામાં સિટી ઈજનેર સહિતના અધિકારીઓની હટ જોવાઈ રહી છે.
કોઈ પણ વિભાગના સંચાલન માટે અનુભવી અધિકારીઓની જરૂર પડે છે. જે આજે મોટા ભાગના વિભાગ પાસે નથી અને હાલ ડેપ્યુટી ઈજનેર તેમજ સીટી ઈજનેર પાસે અનેક વિભાગોના હવાલા હોય હાલ અધિકારીઓ અમુક વિભાગના ઈન્ચાર્જ તરીકે કામ કરી રહ્યા છે અને કામનું ભારણ વધી જવાના કારણે આ અધિકારીઓએ રાજીનામાનો છેલ્લો માર્ગ અપનાવ્યો હોય તેવુ ચીત્ર છેલ્લા ઘણા સમયથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે જ આજે વોટરવર્કસ વિભાગના વધુ બે અધિકારીએ રાજીનામા આપ્યા હોવાની ચર્ચા જાગી છે.
મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગમાં ફરજ બજાવતા સીનીયર અધિકારી હરેશભાઈ સોંડાગરે રાજીનામું આપ્યાનું જાણવા મળેલ છે. તેની સાથો સાથ ડેપ્યુટી ઈજનેર અમરેશ દવેએ પણ મ્યુનિસિપલ કમિશનરે રાજીનામું આપી દીધાની ચર્ચા જાગી છે. આમ આજે વોટવરર્કસ વિભાગના જ બે અનુભવી અધિકારીઓએ રાજીનામા આપી દેતા ભારે ચર્ચા જાગી છે છતાં ઉચ્ચ અધિકારીઓની ઘટના કારણે આ બન્ને અધિકારીઓના રાજીનામાં પણ મંજુર કરવામાં નહીં આવે તેવું લાગી રહ્યું છે.