ફૂડના દરોડામાં હવે RMCની કલમ લાગશે: પેઢી થશે સીલ
રાજકોટ શહેરમાં ભેળસેળિયા તત્વો વિરુદ્ધ મનપાની ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાતી હોય છે. શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યાબાદ તેનો રિપોર્ટ ચાર-પાંચ મહિના બાદ આવતો હોય ત્યાં સુધી ભેળસેળિયા લોકો અખાદ્ય પદાર્થોનું વેચાણ કરી નાખતા હોય છે.
તેવી જ રીતે ભેળસેળના બનાવમાં કેસ થયો હોય ત્યારે પણ ચુકાદો આવતા સમય લાગે છે. તેવી જ રીતે ભેળસેળિયા તત્વો મામુલી દંડ ભરી છુટી જતા હોય હવે તેઓને સબ શિખવાડવા માટે સમય ન મળે તે માટે થઈને આરએમસીની કલમ હેઠળ ફૂડના દરોડામાં કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ શંકાસ્પદ અખાદ્ય પદાર્થ પકડાય ત્યાંરે પેઢી સીલ કરવાની સુચના મ્યુનિસિપલ કમિશનરે ફૂડ વિભાગને આપી છે.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના જણાવ્યા મુજબ ભેળસેળ કરતા તત્વોને ત્યાં ફૂડ વિભાગનું ચેકીંગ હોય ત્યારે ત્યાંથી લેવામાં આવેલા શંકાસ્પદ અખાદ્ય પદાર્થના નમુનાનો રિપોર્ટ આવતા સમય લાગી જાય છે. જેના લીધે આ પ્રકારના તત્વો ત્યાં સુધીમાં પોતાની પાસે રહેલ અખાદ્ય પદાર્થોનું વેચાણ કરી નાખતા હોય છે. આથી આરોગ્ય વિભાગના નિયમ મુજબ જનઆરોગ્ય સાથે ચેડા કરનાર વિરુદ્ધ સિલિંગ સહિતના પગલાઓ લઈ શકાય છે.
પરંતુ ફુડ વિભાગના નિયમોમાં સીલીંગની કલમ આવતી નથી આથી હવે મહાનગરપાલિકાની એક્ટ કલમ 76 મુજબ ફૂડ વિભાગના દરોડામાં પણ સીલીંગની કાર્યવાહી કરવામાં આવશે. દા.ત. એક પેઢીમાં દરોડાની કામગીરી દરમિયાન અનહાઈજેનિક સ્થિતિ જોવા મળી હોય તેમજ સ્થળ પર રાખવામાં આવેલ ખાદ્યપદાર્થ ખાવાલાયક નથી તેવું સ્થળ ઉપરફલીત થયું હોય ત્યારે તુરંત આ પેઢી સીલ કરવાની કામગીરી હાથ ધરાશે અને લીધેલા સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામા આવશે.
કમિશનરે વધુમાં જણાવેલ કે, શહેરમાં અનેક સ્થળે ખાદ્યપદાર્થોમાં મોટાપાયે મિલાવટ થઈ રહી છે. પરંતુ ફૂડ વિભાગના કાયદાની છટકબારીનો લાભ લઈ ભેળસેળિયા તત્વો છુટી જતા હોય છે. તેવી જ રીતે ચેકીંગ હાથ ધર્યા બાદ પણ આ પ્રકારના તત્વો અખાદ્ય પદાર્થનું વેચાણ છડેચોક કરતા હોય છે. ફૂડ વિભાગના હાથ બંધાયેલા હોવાથી ફક્ત દંડનીય કામગીરી અને તે પણ કોર્ટકેસ થયા બાદ કરી શકાય છે. આથી હવે આરએમસી એક્ટ 76ની કલમ હેઠળ ફૂડ વિભાગને વધારાની સત્તા આપવામાં આવી છે એન દરોડાની કામગીરી દરમિયાન જન આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા થતા હોવાના નિયમ હેઠળ પેઢી સીલ કરવાની કાર્યવાહી કરવાની સુચના અપાઈ છે. આથી હવે દરેક દરોડામાં અખાદ્ય પદાર્થ પકડાશે ત્યારે એકમો સીલ કરવામાં આવશે.