ખંભાળિયા નજીક દ્વારકા જતા પદયાત્રીઓને ફૂડ પોઈઝનિંગ: 40 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા
ધુળેટી મનાવવા માટે ચાલીને દ્વારકા જતા કેટલાક પદયાત્રીઓને ગતરાત્રે ખંભાળિયા નજીક કોઈ ખોરાકની વિપરીત અસર થતા 35 થી 40 જેટલા પદયાત્રીઓને અહીંની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.આ અંગે જાણવા મળતી વિગત મુજબ અન્ય જિલ્લામાંથી ચાલીને દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ મનાવવા માટે જઈ રહેલા એક સંઘના કેટલાક પદયાત્રીઓ ગતરાત્રે ખંભાળિયા નજીક પહોંચ્યા હતા. આ પદયાત્રી સંઘ ખંભાળિયા - દ્વારકા હાઈવે પર વડવાળા હોટલ પાસે પહોંચતા આ યાત્રીસંઘમાં રહેલા કેટલાક મહિલાઓ તથા પુરુષોને ઝાડા, ઉલટી તેમજ તુટ કળતર જેવી તકલીફો થવાની ફરિયાદો થતા આ અંગે તેમના દ્વારા તાકીદે ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
આથી ઘટના સ્થળે દોડી ગયેલા ઈમરજન્સી 108 ના સ્ટાફે આશરે 35 જેટલા દર્દીઓને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફુડ પોઈઝનિંગના કારણે કારણે આ લોકો બીમાર પડ્યા હોવાનું જાહેર થયું હતું. આ બનાવ બનતા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ, આર.એમ.ઓ. સહિત તબીબો અને મેડિકલ સ્ટાફ દ્વારા આ દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવી હતી. જેમાં તમામને હાલ ભય મુક્ત ગણવામાં આવ્યા હતા.