મોરબીમાં રસ્તાના મુદ્દે આંદોલનના પગલે મહાનગરપાલિકાનું તંત્ર રસ્તા પર
અધિકારીઓએ વેપારીઓને રૂબરૂ મળી વેદના સાંભળી
મોરબીમાં બિસ્માર માર્ગો મુદ્દે જનતા આંદોલન શરૂૂ થયા બાદ મહાનગર પાલિકા દોડતું થયું છે. ખાસ કરીને લાતીપ્લોટની દુર્દશા મામલે મહાનગર પાલિકાના બન્ને ડેપ્યુટી કમિશનર ગારા કીચડ વાળા રસ્તામાંથી પગપાળા નીકળી વેપારીઓની વેદના સમજી હતી ત્યારે લાતીપ્લોટમાં હાલમાં પાંચ કરોડનાએ ખર્ચે વરસાદી પાણી નિકાલ અને ભૂગર્ભનું કામ ચાલુ હોવાનું ડેપ્યુટી કમિશનર સોનીએ જણાવ્યું હતું.
મોરબી શહેરમાં સૌથી વધુ વેરો ચૂકવતા લાતીપ્લોટ પ્રત્યે તંત્રે હમેશા ઓરમાયું વર્તન રાખ્યું હોય ઘડિયાળ ઉદ્યોગના હબ એવા લાતીપ્લોટને ક્યારેય સુવિધા મળી નથી. આ વિસ્તારમાં નક્કર કામગીરી કરવાને બદલે કોન્ટ્રાકટર આડેધડ કામ કરીને પોબારા ભણી જતા લાતીપ્લોટમાં છેલ્લા બે વર્ષથી કાયમી ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે.
બીજીતરફ તાજેતરમાં મોરબીના લાતીપ્લોટના વેપારીઓ અને ઉદ્યોગકારોએ ચક્કાજામ કરી મહાનગર પાલિકાના બન્ને ડેપ્યુટી કમિશનરોને ગારા કીચડમાં ચલાવતા મહાનગર પાલિકા દ્વારા લાતીપ્લોટના વેપારીઓની હાલતને સમજી તાત્કાલિક કામગીરી શરૂૂ કરવામાં આવી છે. ગતરાત્રીના મોરબી કલકેટર કિરણ ઝવેરી, ડેપ્યુટી કમિશનર સંજય સોની તેમજ ધારાસભ્ય કાંતિલાલે લાતીપ્લોટમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી જણાવ્યું હતું કે, હાલમાં 5 કરોડના ખર્ચે લાતીપ્લોટમાં વરસાદી પાણી નિકાલ અને ભૂગર્ભની કામગીરી ચાલુ છે. સાથે જ સરકારમાંથી લાતી પ્લોટના તમામ રસ્તા પાકા બનાવવા ગ્રાન્ટ માંગવામાં આવી છે જે આવ્યેથી તમામ રસ્તા નવા બનાવવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.