ગાંધીનગરમાં ફરિયાદ થતાં યુનિ.એ એક્ઝિકયુટિવ કાઉન્સિલમાંથી ઓડિટરને હટાવ્યા
- એક્ટમાં દર્શાવ્યા મુજબ જ પોસ્ટમાં સભ્યોની નિમણૂક કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્ઝિકયુટીવ કાઉન્સિલમાં સભ્ય તરીકે ફાઈનાન્સ એન્ડ એકાઉન્ઠ ઓફિસરને બદલે ઓડીટરની વરણી કરતાં મામલો ગાંધીનગર સુધી પહોંચતા યુનિવર્સિટીએ નોટિફીકેશનમાં સુધારો કરી ઓડીટર તરીકે સભ્યને હટાવી દીધા હતાં.
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023માં કઈ કમિટીમાં હોદ્દાગત રીતે કોણ કોણ રહી શકે તેની સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સભ્ય તરીકે ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસરને બદલે ઓડિટરની નિમણૂક કરી દીધી હતી. જોકે બાદમાં આ મામલે વિવાદ થતા અને છેક શિક્ષણ મંત્રી સુધી ફરિયાદ કરવામાં આવતા આખરે યુનિવર્સિટીના સત્તાધીશોએ નોટિફિકેશન સુધારી દીધું હોવાનું અને તેમાંથી ઓડિટરને સભ્ય તરીકે હટાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં નવા સત્તામંડળ બોર્ડ ઓફ મેનેજમેન્ટની પણ બેઠક મળવાની છે જેમાં યુનિવર્સિટીનું 192 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 એક્ટમાં દર્શાવ્યું છે કે, હોદ્દાગત રીતે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની કમિટીમાં ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર સભ્ય રહેશે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારે અગાઉ બહાર પાડેલા નોટિફિકેશનમાં એકાઉન્ટ ઓફિસરની સાથે ઓડિટરને ઉમેરી દીધા હતા અને ગુરુવારે મળેલી બેઠકમાં ઓડિટર એક્ટની જોગવાઈ વિરુદ્ધ હાજર પણ રહ્યા હતા. આ મામલે પૂર્વ સેનેટ સભ્ય ડો.નિદત બારોટે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને લેખિત ફરિયાદ કરી ધ્યાન દોર્યું હતું. જેમાં કહ્યું હતું કે, પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર ઈસીની મિટિંગમાં સભ્ય હોવાને બદલે ઓડિટ2ને સામેલ કર્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાંથી કાયદાથી વિપરીત થયેલી આ નિમણૂકને 2દ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના સત્તાધીશો હરકતમાં આવ્યા હતા અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાંથી સભ્ય તરીકે ઓડિટરને હટાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આખરે યુનિવર્સિટીના સત્તાધીશોને પોતાની ભૂલ સમજાઈ છે અને હવે ફક્ત એક્ટમાં જે પોસ્ટ દર્શાવી છે તે પ્રમાણે જ સભ્યોની નિયુક્તિ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.