લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી જેલ જશે!!! તાલાલા હુમલા કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા
કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તાલાલા હુમલા કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા છે. મહત્વની બાબત એ છે કે, આ કેસમાં દેવાયત ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો.
આ કેસની મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલાં તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેકવાર ટક્કર મારી હતી. આ કેસમાં નીચલી કોર્ટે ખવડ સહિત 15 જેટલા આરોપીને જામીન મંજૂર કર્યા હતા. જો કે, તાલાલા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી.
ત્યારે આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટમાં સરકાર પક્ષે રજૂઆત કરી હતી. ત્યારે હવે દેવાયત ખવડે તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે.