લોકમેળો રેસકોર્ષમાં જ અને રાઇડ્સ સાથે થવો જોઇએ, તકલીફ હોય તે સાઇડમાં રહે
નિયમો અને કાગળોમાં તંત્રએ બાંધછોડ કરવી જોઇએ: ભાજપના કોર્પોરેટર મેદાને
રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના લોકમેળાને લઈને પૂર્વ ડેપ્યુટી મેયર અને સ્થાનિક કોર્પોરેટર વિનુ ધવા મેદાને આવ્યા છે. તેમણે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતની તૈયારી દર્શાવતા કહ્યું છે કે, રાજ્ય સરકારે રાઈડ ધારકો માટેની જઘઙ હળવી કરવી જોઈએ. મેળો તો ચકડોળ સાથે જ થવો જોઈએ અને તે પણ રેસકોર્સ મેદાનમાં જ થવો જોઈએ. કારણ કે, તે રાજકોટનું નાક છે.
આજે જ્યારે રાજકોટના લોકમેળાના આયોજન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે, ત્યારે ભાજપના એક પણ નેતા ખુલીને સામે આવ્યા નથી, ત્યારે ભાજપના આ કોર્પોરેટરે હિંમત બતાવી છે. જોકે આ મેળામાં લોકોને કંઈ થાય તો તેની જવાબદારી રાઈડ ધારકોના શિરે રાખવાનો મત વ્યકત કર્યો છે.
રાજકોટ ભાજપ નેતા વિનુ ધવાએ આજે સટાસટી બોલાવી છે. તેમણે જણાવ્યું હતું કે, લોકમેળો થવો જ જોઈએ અને રાઈડ્સ સાથે જ થવો જોઈએ. મુખ્યમંત્રીને પત્ર લખી લોકમેળામાં રાઈડ્સના નિયમો હળવા કરવા માંગ કરીશ. ચકેડી, રાઈડ્સ અને ફઝર ફળકા સાથે જ મેળો થવો જોઈએ. રાઈડ્સના નિયમો હળવા કરવા અને કાગળોમાં બાંધછોડ કરી મંજૂરી આપવી જોઈએ.
રાજકોટમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા 50 વર્ષ જૂના ભાતીગળ લોકમેળામાં દર વર્ષે જન્માષ્ટમીના પાંચ દિવસમાં 15 લાખ જેટલા લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે આ મેળા સાથે અનેક લોકોની રોજગારી જોડાયેલી છે. જેથી ચકડોળ સાથે મેળો યોજાય તે માટે કલેક્ટરે સરકારમાં રજૂઆત કરવી જોઈએ. રાજ્ય સરકારે પણ લોકો માટે કાંઈક નિર્ણય લેવો જ જોઈએ. મેળા વિશે જેને તકલીફ હોઈ એ સાઈડમાં રહે.