ચૂલામાં કલર નાખતા ભડકો : દંપતી દાઝી જતાં પતિએ પત્નીને ઉપાડી તળાવમાં કૂદકો માર્યો
નાનામવામાં ભીમનગરનો બનાવ : દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું : પત્ની ગંભીર
શહેરના નાનામવા વિસ્તારમાં આવેલ ભીમનગરમાં રહેતી પરિણીતા રસોઈ બનાવવા માટે ચુલો પેટાવતી હતી પરંતુ ચુલો પેટતો ન હોવાથી બાજુમાં પડેલું કલરનું ડબલુ ચુલામાં નાખતા ભડકો થયો હતો. જેથી પરિણીતા દાઝી જતાં તેનો પતિ ઠારવા માટે દોડયો હતો પરંતુ બન્ને દાઝી ગયા હતાં. જેથી પતિએ પત્નીને ઉપાડી ઘર પાસે આવેલા તળાવમાં કુદકો માર્યો હતો. બાદમાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પત્નીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, ભીમનગર શેરી નં.5માં રહેતી કોમલ રવિભાઈ વાઘેલા (ઉ.25) નામની પરિણીતા આજે સવારે પોતાના ઘરે રસોઈ બનાવવા માટે ચુલો પેટાવતી હતી ત્યારે ચુલો શરૂ થતો ન હોવાથી કલરના ડબલામાંથી ચુલામાં કલર નાખતા ભડકો થઈ ઉઠયો હતો. જેથી પરિણીતા દાઝી ગઈ હતી. ઘરમાં હાજર તેનો પતિ રવિ ઈશ્ર્વરભાઈ વાઘેલા (ઉ.26) પત્નીને ઠારવા જતાં તે પણ દાઝી ગયો હતો. બાદમાં રવિએ પત્ની કોમલને ઉપાડી ઠારવા માટે ઘર નજીક આવેલા તળાવના પાણીમાં કુદકો માર્યો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં. દંપતિને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં પત્ની કોમલની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કોમલના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.