ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ફિક્સિગં: વાઘેલા
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીઓ ફિક્સિંગથી ચાલે છે અને મેરીટવાળા કાર્યકરોને પૂરા કરવાનું કાવતરું રચવામાં આવે છે.
વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે લોકો ખરાબ હોય તે તેમની પાર્ટીમાં ન આવે. તેમણે ઉમેર્યું હતું કે એવા લોકોને ભેગા કરવા માટે આ પાર્ટી બનાવવામાં આવી નથી. તેમણે લોકોને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું અને બદલામાં શક્તિ આપવાનું વચન આપ્યું હતું.
આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ મોરારજી દેસાઈને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે ડરવાની જરૂૂર નથી, પરંતુ નીડર બનીને લીડર બનવાની જરૂૂર છે. તેમણે મોરારજી દેસાઈના વિચારોને ટાંક્યા હતા કે જાહેર જીવનમાં ડબલ સ્ટાન્ડર્ડ ન હોવું જોઈએ. તેમણે તેમના સાથી રાજેન્દ્રસિંહના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો હતો, જેમણે જાહેરમાં દારૂૂ પીવાની વાત સ્વીકારી હતી. વાઘેલાએ કહ્યું હતું કે તેમના દરબારોમાં પ્રસંગોપાત દારૂૂ પીવો સામાન્ય બાબત છે.
વાઘેલાએ વર્તમાન આર્થિક સ્થિતિ પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે જો આજે મનમોહનસિંહ વડાપ્રધાન હોત તો રૂૂપિયો મજબૂત સ્થિતિમાં હોત. તેમણે પક્ષોની ક્ષણભંગુરતા પર ભાર મૂક્યો હતો અને જનતા પાર્ટી અને એમજેપી જેવા ભૂતકાળના પક્ષોનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટીની કમાન કોના હાથમાં છે તે ખૂબ જ મહત્વનું છે. વાઘેલાએ ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરીને એક પાર્ટીની મહેરબાનીથી આવા કૃત્યો ચાલતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે બી ટીમના આરોપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે આજે પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે.
દારૂબંધીના કારણે ગુજરાતમાં રૂા.100ની બોટલ 500માં વેચાય છે
શંકરસિંહ વાઘેલા પ્રેરિત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડે ગુજરાતની દારૂબંધી નીતિ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે જાહેરમાં સ્વીકાર્યું કે તેઓ દારૂનું સેવન કરે છે અને તેમની પાસે મેડિકલ લાયસન્સ છે. રાઠોડે દારૂબંધી નીતિની ટીકા કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં દારૂની કિંમતો અવાસ્તવિક રીતે ઊંચી છે. અન્ય રાજ્યોમાં 100 રૂપિયાની બોટલ ગુજરાતમાં 500 રૂપિયામાં વેચાય છે. દારૂબંધીથી 50,000 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારમાં જાય છે. પંચમહાલ વિસ્તારમાં મહુડાનો દારૂ ખુલ્લેઆમ પીવાય છે. નબળી ગુણવત્તાના દારૂૂના સેવનથી યુવાન વિધવાઓની સંખ્યા વધી રહી છે તેમણે જણાવ્યું કે તેમને હૃદયની તકલીફ હોવાથી ડોક્ટરની સલાહથી ત્રણ પેગ દારૂ લેવાની પરવાનગી છે.