સાયબર ફ્રોડ સામે પોલીસનું જાગૃતતા અભિયાન છતાં પાંચ અરજદારોએ 10.66 લાખ ગુમાવ્યા
રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડના પાંચ કિસ્સાઓમાં છેતરાયેલા લોકોને 6.51 લાખની રકમ પરત અપાવી છે.આ પાંચેયએ અલગ અલગ પ્રકારે ભોગ બની કુલ 10 લાખ 66 હજાર ગુમાવી દીધા હતાં.
સાયબર ક્રાઇમ પોલીસ સતત જાગૃત રહેવા લોકોને અપીલ કરે છે અને કોઈ અજાણી વ્યકિતની વાતમાં આવીને કોઈપણ પ્રકારનું રોકાણ કરવું નહીં કે કોઈ લોભ-લાલચમાં ફસાવું નહીં, પોતાના બેંક ખાતા સહિતની અંગત માહિતી કોઈને પણ આપવી નહિ સહિતની સલાહ અપાય છે. આમ છતાં લોકો ભુલ કરે છે અને નાણા ગુમાવે છે. શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કુશલ નિલેશકુમાર શાહ નામની વ્યકિતએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા તેમના મોબાઈલ ફોનમાં પોલીસ અધિકારીનાં નામે ફોન આવ્યો હતો અને તેમના સીમકાર્ડથી ત્રણ અલગ-અલગ બેંક એકાઉન્ટ ખોલીને અસામાજીક પ્રવળત્તિ થઈ રહ્યાનો ડર બતાવી પોલીસ ફરિયાદ રદ કરાવવાના બહાને રૂૂા. 3,89,756 તફડાવી લીધાનું જણાવ્યું હતું. જેના આધારે સાયબર સેલની ટીમે ટેકનિકલ એનાલીસીસના આધારે અરજદારને તમામ રકમ રૂૂા. 3.89 લાખ પરત અપાવ્યા હતા.
બીજા બનાવમાં ઈમરાન હુસામુદ્દીનભાઈ અંસારી નામના યુવાનને સોશ્યલ મીડિયા મારફતે ઓનલાઈન ટાસ્ક પુરા કરીને ઓછા રોકાણમાં વધુ રૂૂપિયા કમાવાની લાલચ આપી રૂૂા. 4.46 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંગે સાયબર સેલમાં અરજી આપતા રૂૂા. 1.46 લાખની રકમ પરત અપાવી હતી. ત્રીજા બનાવમાં અજાણ્યા નંબર પરથી ફોન કરીને ક્રેડીટ કાર્ડમાં ઓટીપી જનરેટ કરવાના બહાને રૂૂા.59,962ની ઓનલાઇન છેતરપિંડી થઈ હતી, જેમાં રૂૂા.48,500ની રકમ સાયબર ક્રાઇમ સેલની ટીમે પરત અપાવી હતી. ચોથા કેસમાં અરજદારે ફેસબુકનાં જાહેરાત જોઈને સસ્તામાં મોબાઈલ ફોન ખરીદવાની લાલચમાં રૂૂા. 1.04 લાખ ગુમાવ્યા હતા, જેમાંથી રૂૂા. 42,319 પરત અપાવ્યા હતા.
પાંચમા બનાવમાં સીએસઆર ફન્ડીંગ પ્રોજેકટમાં રજીસ્ટ્રેશનના નામે અરજદારે રૂૂા. 66 હજાર ગુમાવ્યા હતા, જેમાંથી સાયબર સેલ દ્વારા રૂૂા. 25 હજાર પરત અપાવ્યા હતા.
એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અનુસાર સાયબર ક્રાઇમના પીઆઇ આર. જી. પઢીયાર, પીઆઇ કે.જે.મકવાણા, એએસઆઇ એફ.એ.શેખ,દેવેન્દ્રભાઇ બાબરીયા,સત્યજીતસિંહ ગોહિલ,રાજેશભાઇ,જસપાલસિંહ નકુમ સહિતે આ કામગીરી કરી હતી.