ગણેશ જાડેજા સહિત પાંચ શખ્સોએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી : ફરિયાદીને નોટિસ પાઠવી
ગોંડલના જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સહિત અન્ય પાંચ આરોપીઓ સામે જુનાગઢ અ ડિવિઝન પોલીસ મથકે અપહરણ સહિત એટ્રોસિટી એક્ટની જોગવાઇઓ હેઠળ નોંધાયેલી ફરિયાદનો મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જેમાં હાઇકોર્ટ દ્વારા સરકાર અને ફરિયાદી સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી 16મી જુલાઇના રોજ વધુ સુનાવણી મુકરર કરી છે.
જ્યોતિરાદિત્યસિંહ અને અન્યો વિરૂૂદ્ધ આઈપીસીની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2) અને આર્મ્સ એકટની કલમ 25(1-બ)(ફ) તેમજ એટ્રોસિટી એકટની કલમ 3(2)(5) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે જામીન મેળવવા તેમણે નીચલી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી રદ કરી દેવામાં આવતાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
આ કેસમાં ફરિયાદીના એવા આક્ષેપ છે કે તે જ્યારે મોટર સાયકલ લઈને પોતાના દીકરા સાથે ઘર તરફ જતો હતો, ત્યારે એક ગાડી ચાલક ખોટી રીતે ગા઼ડી ચલાવતો હોઇ તેમને ટકોર કરી હતી. તેથી આ મામલે ઝઘડો થઇ જાય એ પહેલાં ફરિયાદીના પિતા આવી જતા સમાધાન થયું હતું. જો કે એ વાતનો વેર રાખીને આરોપીઓએ ફરિયાદી રાત્રે પોતાના ઘરે જતો હતો ત્યારે તેનાં બાઇકને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ ગાડીમાંથી કેટલાક શખ્સો ઉતર્યા હતા અને તેને લોખંડની પાઇપ વડે માર મારીને અપહરણ કરીને અવાવરૂૂ જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં પણ માર માર્યો હતો. ત્યારબાદ ફરિયાદીનું ગાડીમાં અપહરણ કરીને ગોંડલ ખાતે આવેલા ગણેશ ગઢ લઈ જવાયો હતો. જ્યાં તેના કપડાં ઉતારીને તેને માર મરાયો હતો. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને જાનથી મારી નાખવાની અને એનએસયુઆઈ છોડી દેવા ધમકી આપી હતી. અરજદારના વકીલે એવી દલીલ કરી હતી કે ફરિયાદીને કઈ ગાડીમાં લઈ જવાયો તેનો નંબર ખબર નથી. આરોપી ફરિયાદીના જ્ઞાતિ વિરુદ્ધ કોઈ અપશબ્દ બોલ્યો નથી. ઘટનાના કોઈપણ સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા નથી. ફરિયાદીને ઇજા થયેલાના નિશાન નથી. વળી મોડી રાત્રે જ્યાં કોઈ હોય નહીં ત્યાં જાતિ વિશે શબ્દો બોલ્યા હોવાથી જે કલમો લગાવવામાં લાવી છે તે લાગી શકે નહીં.