For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ સબરજિસ્ટ્રાર કચેરીના બે કર્મચારી અને એડવોકેટ સહિત પાંચ 74 હજારની લાંચ લેતા ઝડપાયા

04:06 PM Jun 11, 2025 IST | Bhumika
અમદાવાદ સબરજિસ્ટ્રાર કચેરીના બે કર્મચારી અને એડવોકેટ સહિત પાંચ 74 હજારની લાંચ લેતા ઝડપાયા

એક કર્મચારી ભીડનો લાભ લઈ ફરાર, મિલકતમાં વારસદાર તરીકે હક્ક દાખલ કરાવવા સબરજિસ્ટ્રારના નામે લાંચ માગી હતી

Advertisement

અમદાવાદના સાબરમતી-13 સબ રજિસ્ટ્રાર કચેરીમાં એસીબીની ટીમે છટકુ ગોઠવી 74500ની લાંચ લેતાં સબ રજિસ્ટ્રાર કચેરીનાં કરાર આધારિત બે કર્મચારીઓ અને બે એડવોકેટ અને એક વચેટીયાને ઝડપી લીધા હતાં. જ્યારે ભીડનો લાભ લઈ એક કર્મચારી રૂા.500 લઈને ફરાર થઈ ગયો હતો. જેની ધરપકડ માટે એસીબીની ટીમે તપાસ શરૂ કરી છે. મિલકતમાં વારસદાર તરીકે હક્ક દાખલ કરવા માટે કરેલી અરજીમાં ક્વેરી કાઢી સબરજિસ્ટ્રારના નામે રૂા.75 હજારની લાંચ માંગી હતી. સાબરમતી કલેકટર કચેરી કંપાઉન્ડમાં જ એસીબીની ટ્રેપ થતાં નાસભાગ મચી ગઈ હતી.

સમગ્ર મામલે અમદાવાદ રહેતાં એક ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીનાં એક ભાઈનું અવસાન થયેલ હોય અને મૃતક ભાઈ પોતે અપરિણીત હોવાથી તેઓના સીધી લીટીના વારસદાર તરીકે કોઈ હકદાર ન હોય ફરિયાદીના અન્ય ભાઈ અને બહેનના નામ હક્કદાર તરીકે દાખલ કરવા અને ફરિયાદીએ પોતાના તરફેણમાં હક્ક રિલીઝ કરવા માટે દસ્તાવેજ કરવા અમદાવાદ સાબરમતી-13 કલેકટર કચેરીની સબરજિસ્ટ્રાર ઓફિસમાં અરજી કરી હોય જે બાબતે અમદાવાદનાં એડવોકેટ રાજેશકુમાર ઉર્ફે રાજા પ્રભુભાઈ પ્રજાપતિને કામગીરી સોંપી હતી. આ કામ કરવા બદલ રૂા.14,850ની ફી નક્કી કરી હતી. જે ગુગલ પે મારફતે એડવોકેટ મેળવ્યા બાદ નિયમાનુસાર દસ્તાવેજ અંગેની ફી પણ ભરી હતી.

Advertisement

આ ફી મેળવી લીધા બાદ ફરિયાદીને દસ્તાવેજની આગળની કાર્યવાહીમાં કોઈ પ્રત્યુતર નહીં મળતાં એડવોકેટ રાજેશકુમાર પ્રજાપતિનો સંપર્ક કરતાં એડવોકેટે પીઢીના નામમાં કવેરી હોવાનું જણાવી આ કવેરી ઉકેલવા માટે સાબરમતી-13 સબ રજિસ્ટ્રારને રૂા.75 હજાર આપવા પડશે તેવું જણાવ્યું હતું. જે બાબતે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં એસીબીના અમદાવાદ વિભાગનાં મદદનીશ નિયામક જી.વી.પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રીમતિ એ.કે.ચૌહાણ અને તેમની ટીમે છટકુ ગોઠવ્યું હતું. જેમાં લાંચ લેતાં એડવોકેટ રાજેશ પ્રજાપતિ સાથે એડવોકેટ ભારતીબેન મોતીભાઈ પરમાર તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીનાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર દલપતસિંહ ગાંડાજી ઠાકોર, સ્કેનીંગ ઓપરેટર ખ્યાતીબેન દિનેશભાઈ જોષી અને વચેટીયો કુશ રાજુ મહેતા ઝડપાઈ ગયો હતો. જ્યારે કરાર આધારિત ઓપરેટર બદલદેવ ઉર્ફે બકુલ પરમાર ફરાર થઈ ગયો હતો.

એસીબીની ટીમે એડવોેકેટ ભારતીબેન પાસેથી 33,500, કોમ્પ્યુટર ઓપરેટર દલતસિંહ ઠાકુર પાસેથી 40,500, સ્કેનીંગ ઓપરેટર ખ્યાતી જોષી પાસેથી 500 કબજે કર્યા હતાં. જ્યારે 500 રૂપિયાની લાંચ લઈ બળદેવ પરમાર ફરાર થઈ ગયો હોય આ પાંચેયની ધરપકડ કરી આ લાંચ કેસમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement