પોરબંદર પંથકમાં એક જ રાતમાં ધરતીકંપના પાંચ હળવા આંચકા
સૌરાષ્ટ્રના પોરબંદર પંથકમાં મધ્યરાત્રિએ માત્ર 17 મિનિટના સમયમાં 1.7થી 2.3ની તીવ્રતાના ઉપરાઉપરી 5 ધરતીકંપોથી ધરતી ધ્રૂજી ઉઠી હતી જ્યારે તાલાલા ગીર પંથકમાં ગત તા. 19થી તા. 24 નવેમ્બર દરમિયાન નોંધપાત્ર તીવ્રતાના 5 ભૂકંપોથી લોકોમાં ગભરાટ ફેલાયા બાદ આજે સવારે 10.51 વાગ્યે ફરી 3.1નો તીવ્ર ભૂકંપથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ બન્ને વિસ્તારમાં ઉપરાઉપરી કંપનો સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં આવેલી નાની-મોટી ફોલ્ટલાઈન,ફોલ્ટ્સ સક્રિય થયા છે.
પોરબંદરમાં કેટલાક સમયથી ધરતી શાંત રહ્યા બાદ આજે પોરબંદરથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશા તરફ 22 કિ.મી.થી 27 કિ.મી.ના અંતરે રાત્રિના 1.11 વાગ્યાથી કંપનોનો સિલસિલો શરૂૂ થયો હતો અને રાત્રિના 1.26 વાગ્યા સુધીમાં અનુક્રમે 1.9, 1.7, 1.5, 2.3, 1.6ની તીવ્રતાના પાંચ આંચકા નોંધાયા છે. આ ભૂકંપોનું કેન્દ્ર બિંદુ મજીયાણા, કુનવદર, ફટાણા, વગેરે ગામો આસપાસ નોંધાયું છે અને આંચકા જમીનથી 6.7થી 15 કિ.મી.ની ઉંડાઈએ નોંધાયા હતા.
જ્યારે તાલાલાથી 12 કિ.મી. ઉત્તર-પૂર્વ દિશાએ પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ સાસણ ગીર પાસે, ભોજડે ગામ નજીક જમીનથી માત્ર 4.2 કિ.મી.ની ઉંડાઈએ ધરતીકંપ ઉદ્ભવ્યો હતો. આજનો ધરતીકંપ અગાઉ તા. 19ના 2.7, તા. 20ના 2.9 અને 3.0 તા. 24 નવેમ્બરે 3.0ની તીવ્રતાના 5 ભૂકંપો કરતા પણ વધુ શક્તિશાળી હતો. આ ઉપરાંત કચ્છની ફોલ્ટલાઈન ઉપર ખાવડાથી 44 કિ.મી. ઉત્તર-પૂર્વ દિશાએ ગત તા. 4 ડિસેમ્બરે 3.3 અને તા. 5ના રાપર પંથથકમાં 2.6ની તીવ્રતાના ભૂકંપ સાથે એકંદરે સૌરાષ્ટ્ર કચ્છની ધરતી ધ્રૂજતી રહી છે.