રાજ્યના 261 તાલીમાર્થી PSIમાંથી 33ની રાજકોટ શહેર-જિલ્લામાં નિમણૂક
રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચ તારીખ જાહેર કરે એટલી રાહ જોવાઇ રહી છે. તેવામાં રાજ્યના પોલીસ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની બદલીના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં 2022-23માં ભરતી પામેલા 261 તાલીમાર્થી બિન હથિયારી પીએસઆઈની બેઝીક ટ્રેનિંગ પૂર્ણ થતાં અધિક પોલીસ મહાનિર્દેશક(વહીવટ) નરસિમ્હા કોમાર દ્વારા રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં નિમણુંક આપવામાં આવી છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 33 પીએસઆઈને નિમણૂક આપવામાં આવી છે.33 પીએસઆઈની તાલીમ પૂર્ણ થતાં અલગ અલગ પોલીસ મથકમાં પ્રોબેશન પિરિયડમાં પોતાની ફરજ બજાવશે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.ઉલ્લેખનિય છે કે,થોડા દિવસો પહેલા જ રાજકોટ શહેરમાં મોટા પાયે પીઆઇથી લઈ લોકરક્ષક સુધીના પોલીસ કર્મચારીની આંતરિક બદલી કરવામાં આવી હતી.ત્યારે વધુ 33 પોલીસ કર્મચારીની રાજકોટ શહેર અને જિલ્લામાં નિમણૂક થતા તેઓ હાજર થયાના ટૂંક સમયમાં જ અલગ અલગ પોલીસ મથકમાં પોસ્ટિંગ આપવામાં આવશે.