ફાલ્કન ગ્રુપના ધીરજલાલ સુવાગિયા સહિત પાંચને ફૂલછાબ એવોર્ડ
વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર મહાનુભાવોને ગાંધીજયંતિએ પોંખશે મારારીબાપુ
સૌરાષ્ટ્રનું શિરમોર અખબાર, સૌરાષ્ટ્રના લોકોની વાચા અને વિચારધારા સમાન ફૂલછાબ વર્તમાન પત્ર તા. 2 ઓક્ટોબરે તેના પ્રજાલક્ષી પત્રકારત્વના 104 વર્ષ પૂર્ણ કરી 105મા વર્ષમાં પ્રવેશ કરશે. આ નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સેવા, ઉદ્યોગ, કૃષિ, રમતગમત અને કળા ક્ષેત્રે માતબર યોગદાન આપી સિદ્ધિ પ્રાપ્ત કરનાર ફાલ્કન ગ્રુપના ધીરજભાઈ સુવાણીયા સહિત પ્રતિભાસંપન્ન પાંચ વ્યક્તિઓને ફૂલછાબ એવોર્ડ અર્પણ કરાશે. શ્રી મોરારિબાપુના હસ્તે આ એવોર્ડમાં સ્મૃતિચિહ્ન, શાલ, રૂૂ. 51000ની રાશિ અર્પણ કરાશે. આ અવસરે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા, ટ્રસ્ટી સંજય એન્કરવાલા તથા સીઈઓ- ગ્રુપ એડિટર કુંદન વ્યાસની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
તા. 2 ઓક્ટોબર, 2025, ગુરુવારે વિજયા દસમીનો મંગલ દિવસ છે તે દિવસે ફૂલછાબ તેની પરંપરા અનુસાર વિશેષ લેખો સાથેનો દળદાર વિશેષાંક પ્રકાશિત કરશે અને ફૂલછાબ એવોર્ડ પણ આપશે. ફૂલછાબના તંત્રી જ્વલંત છાયાએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષની જેમ પાંચ ક્ષેત્રો માટે આ એવોર્ડ અપાશે. રૈયારોડ ઉપર આવેલા રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં બપોરે 3 થી 5 દરમિયાન આ એવોર્ડ સમારોહ યોજાશે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા, ટ્રસ્ટી સંજય એન્કરવાલા, સીઈઓ કુંદન વ્યાસ ઉપસ્થિત રહેશે ઉપરાંત સમગ્ર પ્રકલ્પને સહયોગ આપનારા રાજકોટના ઉદ્યોગપતિઓ મૌલેશ ઉકાણી, અમુભાઈ ભારદિયા, પરાક્રમસિંહ જાડેજા, મનીષ માદેકા, કમલનયન સોજિત્રા પણ ઉપસ્થિત રહેશે. રાજકોટના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓને પણ નિમંત્રિત કરાયા છે. ફૂલછાબમાં પ્રકાશિત થયેલી જાહેરખબરના પ્રત્યુત્તરમાં એવોર્ડ માટે વિવિધ અરજી-ભલામણ આવી હતી.
વિવિધક્ષેત્રના નિષ્ણાતોએ આ અરજીઓની ચકાસણી કરી હતી. દરેક ક્ષેત્રે એવોર્ડ વિજેતા નક્કી કરવાનું કામ અઘરું હતું કારણ કે અનેક અરજી એવી હતી જે એવોર્ડની અધિકારી હતી. આમાંથી પાંચ વ્યક્તિઓની પસંદગી કરાઈ છે. કળા ક્ષેત્ર માટે ડો. શૈલેષ ટેવાણી અને ડો. નીતિન વડગામા, સેવા ક્ષેત્ર માટે અનુપમ દોશી, નરેન્દ્ર દવે, રમત ગમત માટે ડો. અર્જુનસિંહ રાણાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. આ સૌનું સંકલન અને માર્ગદર્શન નિવૃત્ત આઈએએસ વી.એસ. ગઢવીએ કર્યું હતું.
કોને કોને એવોર્ડ અપાશે?
કળા - કૌશિક સિંધવ (નાટય દિગ્દર્શક-અભિનેતા)
રમત ગમત - જયદેવ ઉનડકટ (જાણીતા ક્રિકેટર)
સેવા - અરુણ દવે (લોકસભારતી સણોસરા)
ઉદ્યોગ - ધીરજલાલ સુવાગિયા (ફાલ્કન પંપ)
કૃષિ - બલદેવ ખાત્રાણી (ગુલાબના કૃષિકર્મી)