વેરાવળમાં ફિશિંગ બોટના માલિક સાથે પરપ્રાંતીય ખલાસીઓ દ્વારા રૂા.12.30 લાખની ઠગાઇ
બોટના ટંડેલ તરીકે નિમ્યા બાદ ફરક્યા નહીં
વેરાવળમાં ફિશિંગ બોટના માલિક માછીમાર સાથે પરપ્રાંતીય ખલાસીઓ દ્વારા રૂપિયા 12.30 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
વેરાવળની કામનાથ સોસાયટીમાં રહેતા અને માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા રાકેશ મનસુખભાઇ ચોરવાડીએ પોલીસ માં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમની બે ફિશિંગ બોટમાં ટંડેલ તરીકે કામગીરી માટે આંધ્રપ્રદેશના કાકુલમના પેટા મોફુસ બંદરના રહેવાસી ચીકાતી રાજુ સૂર્યનારાયણા તથા ગનાગલા ક્રિશ્ના એપ્પારાવો સાથે વાર્ષિક કોન્ટ્રાક્ટ મુજબ રૂ.12,30,100 એડવાન્સ ચૂકવી આપેલ અને ચાલુ સીઝનમાં ફિશિંગ બોટમાં ટંડેલ તરીકે કામગીરી કરવા આવવાનું નક્કી થયેલ પરંતુ આ બન્ને ઈસમો સીઝન શરૂ થઈ જવા છતાં આવ્યા નહીં અને મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધેલ હોય હાલ ફરિયાદી રાકેશ ચોરવાડીની રૂ.12.30 લાખની રકમ ફસાઈ ગઈ છે. આ વિગતો સાથે પોલીસમાં લેખિત ફરિયાદ કરતાં બોટમાલિક ની ફરિયાદ આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.
વેરાવળ બંદરમાં બોટ માલિકો સાથે પરપ્રાંતીય મજૂરો દ્વારા કરાતી છેતરપિંડીના કિસ્સાઓમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે વેરાવળના બોટમાલિક રાકેશ ચોરવાડી સાથે બનેલી ઘટના જેવી ઘટના અનેક બોટ માલિકો સાથે બની રહી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા લેભાગુ અને ચીટર ખલાસીઓ, ટંડલોને ઝડપી દાખલારૂપ કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી છે.