લખપતના દેનમાની સીમમાં ખનીજની નિકાસની ગેરરીતિમાં પ્રથમ વખત ટ્રસ્ટ સામે કાર્યવાહી
125.659 મેટ્રીક ટન બેન્ટોનાઇટ બિનઅધિકૃત રીતે નિકાસ કરવામાં આવી, 66 હજારનો દંડ ફટકારાયો
લખપત તાલુકાના દેનમાની સીમમાં બિનઅધિકૃત રીતે બેન્ટોનાઇટ ખનિજની નિકાસ કરવાની ગેરરીતિ એલસીબીએ ઝડપતાં ખાણ-ખનિજ વિભાગ દ્વારા રૂૂા. 66,901નો રોકડ દંડ લીઝધારક અબડાસા-લખપત સરહદી વિસ્તાર વિકાસ ટ્રસ્ટ પાસેથી વસૂલ્યો હતો.
આમ સંભવત: કચ્છમાં ટ્રસ્ટ સામે પ્રથમ વખત આવી ધાક બેસાડતી કાર્યવાહી થયાનું સામે આવ્યું છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાનાં પગલે ખનિજચોરી શોધી કાઢવા ગત તા. 5/11ના એલસીબી ટીમ લખપત તાલુકા બાજુ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, લખપત તાલુકાના દેનમાના સર્વે નં. 18 પૈકીમાં બેન્ટોનાઇટનો જથ્થો રાખેલો છે, જેમાંથી બિનઅધિકૃત રીતે નિકાસ કરવામાં આવે છે.
આથી પોલીસ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ જઇ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ- ખનિજ વિભાગના અધિકારીઓને સ્થાનિકે બોલાવી તપાસ કરતાં 125.659 મેટ્રિક ટન બેન્ટોનાઇટ પરમિટ વિસ્તારમાંથી બિનઅધિકૃત રીતે નિકાસ કરવામાં આવી હોવાનું માલૂમ પડતાં અબડાસા-લખપત સરહદી વિસ્તાર વિકાસ ટ્રસ્ટના લીઝધારક પાસેથી રૂૂા. 66,901નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.