અગ્નિકાંડ કેસમાં પ્રથમ મુદતે મુદત પડી: 10મીએ સુનાવણી
કેસ સેશન્સ કમીટ થયા બાદ અનેક આરોપીએ વકીલ રોકવા મુદત માગી’તી
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા 15 આરોપી સામેનો કેસ ચાર્જશીટ મુકાઇ જતા સેશન્સ કમિટ થયાની આજે પહેલી મુદતમાં કેટલાક આરોપીઓએ વકીલો રોકવા તેમજ અશોકસિંહ જાડેજા અને આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજીમાં બે વકીલો પહોંચી ન શક્યા તેમજ ખેરની જામીન અરજીમાં તપાસનીશના સોગંદનામા બાકી હોવા અન્વયે સેશન્સ કોર્ટમાં મુદત માગવામાં આવતા અદાલત દ્વારા આગામી સુનાવણી તા. 10 સપ્ટેમ્બરે પ્રથમ સુનાવણી રાખવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર અધિકારીઓ વગેરે 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા, આ કેસ સેશન્સ કમિટ થયા બાદ આજે 3 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ 15 પૈકીના કેટલાક આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગવામાં આવ્યો હતો, આ ઉપરાંત જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરની જામીન અરજી સંદર્ભે હાલની પરિસ્થિતિમાં બે વકીલો પહોંચી શક્યા ન હતા.
તેમજ તપાસનીશ પોલીસ દ્વારા ઇલેશ ખેરની ગઈકાલે થયેલી જામીન અરજી સંદર્ભ સોગંદનામુ કરવાનું બાકી હોવાથી સંયુક્ત રીતે સમય માંગવામાં આવ્યો હતો, અનુસંધાને અદાલત દ્વારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને તારીખ 10 મી સપ્ટેમ્બર આગામી સુનાવણી રાખવામાં આવી છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્ય અજયસિંહ ચૌહાણ રોકાયા છે.