નવનિર્મિત કોર્ટમાં પ્રથમ લોકઅદાલત : 25 હજાર કેસ મુકાયા
- ડિસ્ટ્રિકટ જજ અને પ્યૂનના હસ્તે દીપ પ્રાગટય કરી સમાધાન લાયક કેસો હાથ પર લેવાયા : સાંજ સુધીમાં 60 ટકા કેસોનો નિકાલ થવાની આશા
શહેરના જામનગર રોડ પર નિર્માણધિન કોટ સંકુલનું તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના ચીફ ન્યાયાધીશના હસ્તે ખુલ્લી મુકાયેલી કોર્ટ બિલ્ડિંગમાં પ્રથમ લોક અદાલતને ડીસ્ટીક જજ વાચ્છાણી અને તમામ કોર્ટના પ્યુનના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે અધિક સેસન્સ જજ જે.ડી.સુથાર પટેલ ,શર્મા, જાદવ અને ભટ્ટ સહિતના ન્યાયધીશ ઉપસ્થિત રહ્યા હતા. આજની મેગા લોક અદાલતને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે.
વધુ વિગત 2024ની આ વર્ષની પ્રથમ નેશનલ લોક-અદાલત છે. જે નાલસા તથા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી ત્રીવેદી અને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ આર.ટી. વાચ્છાણીના માર્ગદર્શન હેઠળ તા. 09/03/2024ને શનિવારના રોજ રાજકોટ જીલ્લાની તમામ કોર્ટોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકઅદાલતમાં દાખલ થયેલા અને અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવ્યા છે. લોક-અદાલતમાં ફોજદારી સમાધાન લાયક, નેગોશીએબલ એકટની કલમ-138 ( ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના, બેન્ક લેણા, મોટર અકસ્માત વળતર, લગ્નવિષયક, મજુર અદાલતના જમીન સંપાદનને લગતા કેસો, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો રેવન્યુ કેસીસ, દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) અને અન્ય સમાધાન લાયક કેસો મુકવામાં આવ્યા છે.
લોક અદાલત પહેલાં લોક અદાલતની તૈયારીના ભાગરુપે રાજકોટ બાર એસોશીએશનના સાથ અને સહકારથી જુદી જુદી મીટીંગો યોજી, પ્રિ-સીટીંગનું આયોજન કરી પક્ષકારોને સમાધાન અંગે નજીક લાવવા માટે લગભગ છેલ્લા ત્રણ મહીનાથી પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આજની લોક અદાલતમાં તમામ કેટેગરીના મળી કુલ 25,000 થી વધુ કેસ હાથ પર લેવામાં આવ્યા છે. લોક-અદાલતમાં પક્ષકારો પોતાનો કેસ મુકી સમાધાનથી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે. કોઈનો વિજય નહી તેમજ કોઈ નો પરાજય નહી તેવી પરિસ્થિતી ઉદભવે છે. તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે. વૈમનસ્યથી મુકત થવાય છે. પક્ષકારોની સમજણ અને સમજુતીથી કેસનો નિકાલ થવાથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. આજની યોજાયેલી મેગા લોક અદાલતમાં બેંક ,પીજીવીસીએલ અને વીમા કંપની ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.