બોટાદમાં જમીનના ડખામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ
બોટાદમાં જમીન બાબતના ઝઘડાને લઈ બોટાદના શખ્સ વિરુદ્ધ કરેલ અરજીને પગલે સગા કાકા ને ભત્રીજાએ ધમકી આપી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છુટ્યો હતો. બોટાદના બોકડાવાળી ચકલા ગેટ નવા રેસકોર્સ દવાખાના પાસે રહેતા ભાભલુભાઈ સાદુળભાઈ માંજરીયા (ઉ.વ.58) ના પિતાજીની મિલકત બોટાદ જલમીન ટોકીઝ પાછળ આવેલી છે જે મિલકતની પાછળ બોટાદ ખાતે રહેતા દિલાવરખાન હમીદ એ જગ્યા વેચાતી લીધી છે અને તેની જગ્યા ની આગળ ભાભલુભાઈની મિલકત આવતી હોવાથી જે જગ્યા દિલાવરખાને વેચાતી લેવા માટે આજથી 20 દિવસ પહેલા દિલાવરખાન ભાભલુભાઈને રાત્રે 8 કલાકે મળેલ અને કહેલ કે આ તમારી દુકાન અમને વેચી દો અને ખાલી કરાવી દો તેમ કહી પાવભાજીવાળા ને ધમકી આપી કહેલ કે તું દુકાન ખાલી કરી દે આ જગ્યા મારે લેવાની છે. જેથી પાવભાજી વાળા એ દુકાન ખાલી કરી દીધી હતી. જે બાબતે ભાભલુભાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ત્યારબાદ તા.12 ઓક્ટોબરના રોજ દિલાવરખાન હમીદ અને ભાભલુભાઈનો ભત્રીજો ધ્રુવરાજે અંબિકા ઇલેક્ટ્રોનિક્સની દુકાનવાળાનો સરસામાન ખસેડી દિવાલ પાડી દઈ દિલાવરખાન હમીદ અને ભાભલુભાઈનો ભત્રીજો હેરાનગતિ કરતો હોવાથી ભાભલુભાઈના માતાએ આ બાબતે પોલીસમાં અરજી આપી હતી.
તા.14 ઓક્ટોબરના રોજ વહેલી સવારે દિલાવર ખાનના કહેવાથી ધ્રુવરાજ અને બે અજાણ્યા માણસો ફોરવ્હીલ ગાડીમાં આવી ભાભલુભાઈના ઘર પાસે ધ્રુવરાજે જોર જોર થી ભુડા બોલી ગાળો આપી કહેલ કે બાપુ મારા દિલાવર મામાની ફરિયાદ કરેલ છે જેમાં પોલીસ કાઈ કરશે તો હું તમને જાનથી મારી નાખીશ. તેમ કહી બંદુકમાંથી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી ડરાવીને નાસી છુટ્યો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે ભાભલુભાઇએ ધ્રુવરાજ રણજીતભાઈ માંજરીયા, દિલાવરખાન હમીદ (બંને રહે. બોટાદ) અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવી કાર્યવાહી હાથ ધરી હતી.