પડધરીના ભાયુના દોમડા ગામે જન્માષ્ટમીની ઉજવણીમાં ફાયરિંગ
પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામે જન્માષ્ટમીના તહેવાર ઉપર ગામમાં ઉજવણી વખતે રાજકોટનાં એક શખ્સ દ્વારા જાહેરમાં પરવાના વાળી રિવોલ્વરમાંથી ફાયરીંગ કર્યાનો વિડિયો વાયરલ થયો હતો. આ વિડિયો મામલે પડધરી પોલીસે તપાસ કરી રાજકોટનાં બે શખ્સો સામે ગુનો દાખલ કરી બન્નેની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે. જાહેરમાં ફાયરીંગ કરી લોકોમાં ભય ઉભો કરવા બદલ બન્ને સામે કાર્યવાહી કરી પરવાના વાળુ હથિયાર જમા લેવા તજવીજ હાથ ધરી છે.
પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામે જાહેરમાં હવામાં ફાયરીંગ કરતો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાબતે પડધરી પોલીસ મથકના પીએસઆઈ જે.જી.ઝાલા અને તેમની ટીમે તપાસ કરતાં આ વીડિયો ગત તા.26-8નાં રોજ જન્માષ્ટમીની ઉજવણીની પ્રસંગનો હોવાનું જાણવા મળ્યું હતું. ભાયુના દોમડા ગામે આવેલ જુની પ્રાથમિક શાળા સામે પ્રોવીઝન સ્ટોરની સામે બાકડા ઉપર બેસી જન્માષ્ટમીના તહેવાર માટે આવેલા રાજકોટનાં મવડી પ્લોટ રાધિકા પાર્કમાં રહેતા અલ્પેશ મોહન ભંડેરી અને તેનો મિત્ર મવડી પ્લોટ 17-18 સોરઠીયા પરિવારની વાડી પાસે રહેતો રસિક નરશી પાદરીયા વિડિયોમાં દેખાયા હતાં. જન્માષ્ટમીની ઉજવણી વખતે વરસતા વરસાદ વચ્ચે બાકડા ઉપર બેસી પોતાના પરવાના વાળા હથિયારમાં કાર્ટીસ નાખીને આ રિવોલ્વર તેના મિત્રને ફાયરીંગ કરવા માટે આપી હોય અને મિત્રએ હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
રસિક પાદરીયા અને અલ્પેશ ભંડેરીએ જન્માષ્ટમીની ઉજવણી વખતે ઉત્સાહમાં આવીને લોકોના ટોળા વચ્ચે ફાયરીંગ કર્યુ હતું. એક રાઉન્ડ ફાયરીંગનો આ વિડિયો વાયરલ થયો હતો. આ બાબતે તપાસ કરતાં કરવાના વાળુ હથિયાર રસિક નરશી પાદરીયાનું હોવાનું અને તેની સાથે રહેલો તેનો મિત્ર અલ્પેશ ભંડેરીને મદદગારી કરવા બદલ બન્ને સામે પડધરી પોલીસે આમ્સ એકટ હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી છે.