For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અગ્નિકાંડ: જમીન માલિક, આસિ.ફાયર ઓફિસર અને બે ATPનો જેલવાસ લંબાયો

05:47 PM Sep 30, 2024 IST | Bhumika
અગ્નિકાંડ  જમીન માલિક  આસિ ફાયર ઓફિસર અને બે atpનો જેલવાસ લંબાયો
Oplus_131072
Advertisement

ચારેય આરોપીએ જેલ મુકત થવા કરેલી જામીન અરજી અદાલતે ફગાવી

રાજ્ય ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસ સેશન્સ કમિટ થયા બાદ અશોકસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી ઓપન કોર્ટેમાં નામંજુર થઈ હોવાનું કોર્ટે ઈશારો કરી અરજી ફગાવી દેતો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ પણ જેલ મુક્ત થવા જામીન અરજી દાખલ કરી હતી. અગ્નિકાંડમાં સંડોવાયેલા અને હાલ જેલ હવાલે રહેલા ચારેય આરોપીઓએ કરેલી જામીન અરજી આજે કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે ચારેય આરોપીઓના સંબંધીઓ કોર્ટમાં હાજર હતાં તે દરમિયાન ઓપન કોર્ટમાં ચારેય આરોપીઓને જામીન અરજી નામંજુર થયાનો ઈશારો કરી ચારેય આરોપીઓની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.

Advertisement

આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

ટીઆરપીની જગ્યાના માલિક અશોકસિંહનું જુઠાણું પકડાયું
ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા જમીન માલિક અશોકસિંહ જાડેજાએ જેલ મુકત થવા જામીન અરજી કરી હતી. જમીન માલિક અશોકસિંહ જાડેજાએ તપાસ દરમિયાન તેઓને છેલ્લા ચાર માસથી 100 ટકા દેખાતું બંધ થઈ ગયું છે તેવું જણાવ્યું હતું. પરંતુ આ પહેલા અશોકસિંહ જાડેજાએ રેસ-વે એન્ટરપ્રાઈઝની ભાગીદારી પેઢી તેમજ ધવલ કોર્પોરેશન સાથે થયેલ ભાગીદારી કરાર વગેરે દસ્તાવેજોમાં પોતે નોટરી રૂબરૂ સહી કરેલ છે. જેથી તે સમયે તેને દેખાતું હોવાનું સ્પષ્ટ થાય છે. જેથી જમીન માલિક અશોકસિંહ જાડેજાનું 100 ટકા દેખાતું નહીં હોવાનું જુઠાણું બહાર આવ્યું છે.

ફાયર વિભાગનાં ઈલેશ ખેરની વરવી ભૂમિકા
અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા આસીસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરની ફાયરને લગતાં કાયદા, નિયમો, રેગ્યુલેશનમાં જવાબદારી નક્કી કરવામાં આવેલી છે. તેમજ લાયસન્સ શાખા પોલીસ કમિશનરની કચેરી દ્વારા રેસ-વે એન્ટરપ્રાઈઝના બુકીંગ લાયસન્સની નકલ ચીફ ફાયર ઓફિસર તરફ મોકલેલ છે. તેમજ તેઓ દ્વારા આ બુકીંગ લાયસન્સની નકલ પર સહી કરી ડેપ્યુટી ચીફ ફાયર તરફ માર્ક કરેલ છે પરંતુ કોઈ કાર્યવાહી કરવા સુચના આપેલ નથી. જેથી ટીઆરપી ગેમઝોનના લાયસન્સની નકલ પણ તેઓને મળેલ હોવા છતાં તેઓ તરફથી આ ટીઆરપી ગેમઝોનમાં ફાયર સેફટીના પુરતા સાધનો રાખવા માટે કોઈ કાર્યવાહી નહીં કરી ફરજમાં બેદરકારી દાખવી ગુનો કર્યો છે.

ATP રાજેશ મકવાણા ગેમ ઝોન તોડવા જ ન ગયા!
ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં હાલ જેલ હવાલે રહેલા આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણાએ જેલ મુકત થવા અદાલતમાં જામીન અરજી કરવામાં આવી હતી. આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણાએ ગૌતમ જોશી સાથે મળી કૌભાંડ આચર્યુ હતું અને બાંધકામના ઈમ્પેકટ પ્લાન મંજુર કરવા માટેની અગાઉ આવેલી ફાઈલોમાં છેડછાડ કરી ફાઈલો ઈનવર્ડ કરી હતી અને જુના જાવક રજીસ્ટર સળગાવી નવું જાવક રજીસ્ટર પત્ર બનાવવામાં ગૌતમ જોશીને મદદ કરી હતી અને ગેમઝોન ગેરકાયદેસર ધમધમતું હોવા છતાં તોડવા ન ગયા હોવાથી આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણાનો રોલ પણ અગ્નિકાંડમાં મહત્વનો માનવામાં આવે છે.

ટી.પી.વિભાગના ગૌતમ જોષીએ નકલી રજિસ્ટર બનાવ્યું!
અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા આરોપી આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશીએ ટીઆરપી ગેમઝોનની જગ્યાના બાંધકામની અશોકસિંહ જાડેજા સહિતનાની ઈમ્પેકટ ફાઈલ મંજુર કરવાની અરજી અગ્નિકાંડની ઘટના સુધી ઈનવર્ડ થઈ ન હતી. જે ટીઆરપી ગેમઝોનના ગેરકાયદેસર બાંધકામના ઈમ્પેકટ પ્લાન મંજુર કરવા માટેની ફાઈલ તા.4-5-2024માં ઈનવર્ડ નંબર 2739 તથા 2740માં ફાલ્ગુની સંજયભાઈ કારીયાની બે ફાઈલોની એન્ટ્રી હોય તેમાં ઈનવર્ડ નંબર 2740માં અવતરણ ચિન્હ હતાં ત્યાં અશોકસિંહ જાડેજાની અરજીની નામ તથા વિગતમાં છુપાઈ જાય તે રીતે રજીસ્ટરમાં ચેડા કરી તે ફાઈલ ઈનવર્ડ કરી તેમજ જાવક રજીસ્ટરમાં જગ્યા ન હોવાથી તે જાવક રજીસ્ટર નવું બનાવી મોટી ભુમિકા ભજવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement