અગ્નિકાંડ: ATP જયદીપ ચૌધરીની જામીન અરજી ફગાવતી અદાલત
રાજ્યભરમાં ચકચાર જગાવનાર બાળકો સહિત 27 વ્યક્તિઓનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસ સેશન્સ કમિટ થયા બાદ અગાઉ પાંચ આરોપી બાદ વધુ એક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જયદીપ ચૌધરીની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે.
રાજ્યભરમાં ભારે ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તેના બાંધકામમાં પણ અનેક ગેરરીતિઓમાં ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો હુકમ હોવા છતાં જયદીપ ચૌધરીએ કાયદા વિરુદ્ધ ઈમ્પેક્ટ ફી ભરવા યાદી કરી આપેલ તથા અન્ય આરોપી સાથે મળી કાવતરું રચી એક બીજાને મદદગારી કરી ઈમ્પેક્ટ ફીના જાવક રજિસ્ટરનો નાશ કરી નવું રજિસ્ટર બનાવી ઈમ્પેક્ટ ફીની ફાઈલ ખોટી રીતના ઇનવર્ડ કરાવી ગુનો કર્યો હોવાનું બહાર આવતા તેની સામે અગિયારમા આરોપી તરીકે ગુનો નોંધવામાં આવ્યો છે.
જેમાં કેસ સેશન્સ કમિટ થયા બાદ અગાઉ જમીન માલિક અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરો ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજીઓ રદ થયા બાદ વધુ એક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરે કરેલી જામીન અરજીઓ રદ થયા બાદ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જયદીપ બાલુભાઈ ચૌધરીએ પણ જેલ મુક્ત થવા કરેલી રેગ્યુલર જામીન અરજી અન્વયે ગઈ તારીખ 14 નવેમ્બરે સુનાવણીમાં સ્પે. પી.પી., એડી. સ્પે. પી.પી. અને હતભાગી પરિવાર વતી એડવોકેટ સહિતનાએ વિગતવાર વાંધા રજુ કરી રજુઆત કરેલ કે અરજદારનું પ્રથમ થી જ એફ.આઈ.આર.માં નામ છે, આ કિસ્સો મેન મેઈડ ટ્રેજેડીનો કિસ્સો છે, ટી.આર.પી. ગેમ ઝોનમાં રહેલ ગેરકાયદેસર બાંધકામ 2021થી અરજદાર ચાલવા દેતા હતા.
ગેમઝોનમાં એક્ઝિટ ગેઈટ નથી, રહેણાંકની જગ્યા ઉપર કોમર્શિયલ બીઝનેશ ચલાવવા દેવામાં આવેલ હતો. અને વર્ષ દિવસ પહેલા આગની ઘટના ઘટેલ, લોકોએ જીવ ગુમાવવા પડે તેવા જ્ઞાન સાથે આરોપીએ ગુનો આચરેલ છે. આ તબકકે કોઈ કુદરતી નહી પરંતુ માનવસર્જીત ટી.આર.પી. ગેમ ઝોન અગ્નીકાંડના બનાવમાં 27 લોકોએ આરોપીઓના કારણે જીવ ગુમાવેલા હોય પરીવારના માળા વેરવીખેર થઈ ગયેલ હોય ત્યારે આરોપીની જામીન અરજી નામંજુર કરવી જોઈએ વગેરે લંબાણ પુર્વક ની દલીલો કરવામાં આવ્યા બાદ આજની મુદતે પણ ઉઘડતી અદાલતે દલીલો થયા બાદ એડિશનલ સેશન્સ જ્જ ડી. એસ. સીંઘે આરોપી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જયદીપ બાલુભાઇ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતોશહુકમ ફરમાવ્યો છે. આ કામમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.