રાજકોટમાં દિવાળીની રાત્રે 125 સ્થળે આગ લાગી
ઔદ્યોગિક એકમો, રહેણાંક સહિત 100 થી વધુ જગ્યાએ કચરો તેમજ વેસ્ટમાં આગ લાગ્યાના કોલથી ફાયરબ્રિગેડની 13 ટીમ આગ બુઝાવવા માટે સતત દોડતી રહી
જૂના એરપોર્ટ અને રામધામ મંદિરમાં લાગેલી આગમાં મોટી દુર્ઘટના ટળી
રાજકોટમાં દિવાળીની રાત્રે શહેરના અલગ અલગ 125 સ્થળોએ આગ લાગ્યાના કોલથી ફાયરબ્રિગેડની ટીમ આગ બુજાવવા માટે સતત દોડતી રહી હતી. દિવાળીનો તહેવાર ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર છે ત્યારે ઠેર ઠેર લોકો રોશનીની તહેવારને ધામધુમથી ઉજવ્યો હતો. ત્યારે રાજકોટમાં આ ખુશીના તહેવારમાં ફટાકડા ફોડતા કેટલીક જગ્યાઓએ આગના બનાવો બન્યા હતાં. રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે 125 બનાવો બન્યા હતાં. જો કે સદનશીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની થઈ ન હતી. રાજકોટ ફાયરબ્રિગેડ દ્વારા આઠ કાયમી ફાયર સ્ટેશન સાથે પાંચ હંગામી ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવ્યા હોય આ 13 ફાયર સ્ટેશનના સ્ટાફે આગ બુજાવવા માટે રાતભર જહેમત ઉઠાવી આગને કાબુમાં લીધી હતી.
રાજકોટમાં આગના બે મોટા બનાવોમાં મવડી વિસ્તારમાં આવેલ રામધામ મંદિર નજીક ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડના સુત્રોના જણાવ્યા અનુસાર ઝુંપડામાં લાગી હોય જે પવનના કારણે વધુ પ્રસરી હતી અને રહેણાંક વિસ્તારમાં ફેલાઈ હતી. આગના કારણે ધુમ્માડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ત્રણ ટીમો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને તાત્કાલીક કાબુમાં લેવા પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. સદનશીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી. આગ આસપાસના ઘરોમાં ફેલાઈ તે પૂર્વે જ સાવચેતીના ભાગરૂપે ફાયરબ્રિગેડ અને સ્થાનિકો તથા પોલીસે ઘરના લોકોને તાત્કાલીક સામાન સાથે સલામત સ્થળે ખસેડયા હતાં.
આગની બીજી મોટી ઘટના રાજકોટના જુના એરપોર્ટમાં બની હતી. જુનુ એરપોર્ટ કે જે હાલ ઉપયોગમાં લેવાતું ન હોય ત્યાં ઘાસ અને ઝાડના પાંદડાઓના ઢગલામાં કોઈ સળગતો ફટાકડો પડતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી અને આગ કાબુમાં લેવામાં આવી હતી. આ આગના કારણે એરપોર્ટના અંદરના ભાગમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરમાં આગની આ બે મોટી ઘટના ઉપરાંત અલગ અલગ 125 સ્થળોએ આગ લાગ્યાના બનાવો બન્યા હતાં. જેમાં ગાંધીગ્રામ વિસ્તાર, બજરંગવાડી વિસ્તાર, સંતકબીર રોડ, બાપુનગર, કોઠારીયા સોલવન્ટ, 150 ફુટ રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, ભાવનગર રોડ ઉપરાંત ચિત્રકુટધામ, ત્રિરૂપતિનગર, નિર્મલા રોડ સહિતનાં અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાના 125 જેટલા કોલ ફાયરબ્રિગેડને મળ્યા હોય આ કોલના આધારે ફાયરબ્રિગેડની ટીમ સતત આગ બુજાવવા માટે દોડતી રહી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા આગના બનાવો વધવાની સંભાવનાને ધ્યાને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજકોટમાં કાયમી આઠ ફાયર સ્ટેશન ઉપરાંત પાંચ હંગામી ફાયર સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા હતાં. અને ફાયરબ્રિગેડના 445 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હોય આગ લાગવાની ઘટનામાં તાત્કાલીક પહોંચી શકાય તે માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરનાં ભીડભાડ વાળા વિસ્તારો તેમજ મોટી માર્કેટ સાકળી શેરીઓ તથા ગીચબજારને ધ્યાને રાખી રાજકોટ શહેરના પરાબજાર, ફુલછાબ ચોક,યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક અને પેડક રોડ પર પાંચ હંગામી ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવ્યા હોય જેમાં ફાયરબ્રિગેડના સ્ટાફને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી.
