રાજકોટથી દિલ્હી જતી ટ્રેનના કોચ નં.1માં આગ
રાજકોટથી દિલ્હી જઇ રહેલી પોરબંદર- સરાઇરોહીલા ટ્રેન નં.20913ના ફર્સ્ટ એ.સી. કોચ નં.1માં આજે સવારે એક મુસાફરની ગંભીર બેદરકારીના કારણે આગ લાગતા ટ્રેન અટકાવી રેલવે સ્ટાફે તાબડતોબ આગ કાબુમાં લઇ લેતા દુર્ઘટના સહેજમાં અટકી હતી.
આ ટ્રેન આજે સવારે દિલ્હી અને ગુડગાંવ વચ્ચેથી પસાર થઇ રહી હતી ત્યારે ફસ્ટકલાસ એસી કોચ નં.1ની ડસ્ટબીનમાં અચાનક આગ ભભુકી ઉઠતા કોચમાં ધુમાડાના ગોટેગોટા ભરાઇ ગયા હતા અને મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ હતી.
આ અંગે રેલવે સ્ટાફને જાણ કરાતા સ્ટાફે તાબડતોબ ધસી જઇ મહામહેનતે આગ કાબુમાં લીધી હતી.
કોઇ મુસાફરે સળગતી સિગાટેર કોચની કચરાપેટીમાં ફેંકતા કચરા પેટી સળગી ઉઠી હતી. જો કે, સદનશીબે મોટી દુર્ઘટના અટકી હતી.
આ ટ્રેનમાં કોચ નં.1માં જ મુસાફરી કરી રહેલા રાજકોટ ભાજપના અગ્રણી અને ટીબોર્ડ ઇન્ડીયાના અધ્યક્ષ દિનેશ કારીયાએ જણાવ્યું હતું કે, સવારે 7-30 વાગ્યા આસપાસ કચરાપેટી સળગી ઉઠતા આખો કોચ ધુમાડાથી ભરાઇ ગયો હતો. રેલવેના સ્ટાફે સમયસુચકતા વાપરી આગ કાબુમાં લઇ લેતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ટ્રેનમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રના પણ અનેક મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.