મજૂર કોલોનીમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ભભૂકી: પાંચ શ્રમિક દાઝ્યા
- વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનામાં વહેલી સવારે ઘટી ઘટના: પાંચેય યુવાનો સારવારમાં
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં આજે સવારે અચાનક ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જેમાં કુલ પાંચ જેટલા મજુરોને ઈજાઓ પહોંચી હતી, જેથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જેમાં આશિષ બંજારા (ઉ.વ. 19), રાહુલભાઈ કુશવાહ (ઉ.વ. 23), લક્ષ્મણ કહાર (ઉ.વ. 20), હિતેશ કુશવાહ (ઉ.વ. 23), વિકાસ બંજારા (ઉ.વ. 20) સહિત પાંચ શખ્સોને ગંભીર રીતે દાઝી ગયા હતા. પાંચેય શ્રમિક યુવાનને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અકસ્માતના બનાવમાં લક્ષ્મણભાઈ, આશિષભાઇ અને વિકાસભાઈને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે હિતેશભાઈ અને રાહુલભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.