For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફરી ગેરકાયદે ડોમવાળા હેન્ડિક્રાફટ સ્ટોરમાં ભભૂકી આગ

03:40 PM Jul 26, 2024 IST | Bhumika
ફરી ગેરકાયદે ડોમવાળા હેન્ડિક્રાફટ સ્ટોરમાં ભભૂકી આગ
Advertisement

બંગડી બજારમાં 12 દિવસમાં આગની બીજી ઘટના, હેન્ડિક્રાફટના કાપડ અને મટિરિયલ્સના કારણે ધુમાડાના ગોટેગોટા

ત્રીજા માળે દુકાનમાં લાગેલી આગ જોતજોતામાં પાંચમા માળે ડોમ સુધી પહોંચી ગઈ: રૂા.40 લાખનું નુકસાન

Advertisement

સાંકડી શેરીમાં ફાયર ફાઈટરની સીડી નહીં ખૂલતા બારીમાંથી પાઈપ ખેંચી પાણીનો મારો ચલાવવો પડયો

શહેરમાં ટીઆરપી ગેમઝોનના ગોજારા આગકાંડમાં 30 લોકો જીવતા ભુંજાઈ ગયાની દુર્ઘટના હજુ તાજી જ છે. શહેરમાં ગેરકાયદે ખડકાયેલા માચડાઓ ઉપર તંત્ર દ્વારા કોઈ આકરા પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે બંગડી બજારમાં 12 દિવસમાં આગની બીજી ઘટના સામે આવી છે. હજુ 12 દિવસ પહેલા જ બંગડી બજારમાં આવેલા ભાભા કોમ્પલેક્ષમાં ગીફટ આર્ટીકલના પતરાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. જે ઘટના બાદ પણ તંત્રએ કોઈ ધ્યાન ન આપતાં આજ વિસ્તારમાં આગની વધૂ એક ઘટના સામે આવી છે. બંગડી બજારમાં હેન્ડીક્રાફટના ગેરકાયદે ખડકાયેલા ડોમમાં આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં હેન્ડીક્રાફટનું કાપડ અને મટિરિલ્સમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉઠવા લાગ્યા હતાં. બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી પરિમલ હેન્ડીક્રાફટ નામની દુકાનમાં લાગેલી આગ જોત જોતામાં પાંચમા માળે આવેલા ડોમ સુધી પ્રસરી ગઈ હતી. જો કે સદનશીબે સવારના ભાગે દુકાન બંધ હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી.બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહામહેનતે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતાં. આગમાં હેન્ડીક્રાફટનો તૈયાર સામાન બળીને ખાખ થઈ જતાં 40 લાખનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ, બંગડી બજારમાં બિલ્ડીંગના ઉપરના માળે પતરાનો ડોમ બનાવેલો હોય જેમાં પરિમલ હેન્ડીક્રાફટ આવેલું હોય જેમાં આજે સવારે 10 વાગ્યાના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. પતરાના ગોડાઉનમાંથી આગના ગાટેગોટા નીકળવા લાગતાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જે અંગે સ્થાનિક લોકો દ્વારા આગ અંગે જાણ કરવામાં આવતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ બિલ્ડીંગના ઉપરના ભાગે બનાવેલા ડોમમાં લાગી હોય જે ડોમમાં હેન્ડીક્રાફટનું કાપડ અને રો મટિરિયલ્સ પડેલું હોય જેના કારણે આગ વિકરાળ બની જવા પામી હતી.

ફાયરબ્રિગેડનો સ્ટાફ એક મીની ફાયર ફાઈટર અને બે બ્રાઉઝર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો.
જો કે આગ બિલ્ડીંગના ઉપરના માળે આવેલા ડોમમાં લાગી હોય અને બંગડી બજારની શેરીઓ એટલી સાંકળી હોય કે ફાયર બ્રિગેડને જવામાં પણ મુશ્કેલી પડી હતી. મહામહેનતે ઘટના સ્થળે પહોંચ્યા બાદ શેરી સાંકળી હોવાથી અને ફાયરબ્રિગેડની સીડી ખુલી શકે એટલી જગ્યા ન હોવાથી ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા અન્ય દુકાનની બારીમાંથી પાઈપ ખેંચી ઉપર સુધી પહોંચાડયા બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં.

બિલ્ડીંગમાં ત્રીજા માળે પરિમલ હેન્ડીક્રાફટ નામની દુકાન આવેલી હોય અને ચોથો અને પાંચમાં માળે આવેલા ડોમ પણ આ દુકાનના માલિકે ઉભો કર્યો હોય સવારના સમયે દુકાન બંધ હતી ત્યારે ત્રીજા માળે બંધ દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતામાં પાંચમા માળે આવેલા ડોમ સુધી આગ પ્રસરી જવા પામી હતી. જેના કારણે ધુમ્માડાના ગાટેગોટા ઉઠયા હતાં.

આગ ગોડાઉન ઉપરાંત લીફટના પેસેજમાં પણ ફેલાઈ જવા પામી હતી. હેન્ડીક્રાફટનો સામાન અને પ્લાસ્ટીક અને પુઠ્ઠા ભરેલા હોવાથી આગ વિકરાળ બની હતી. પ્રાથમિક તપાસમાં આગ ઈલેકટ્રીક શોકસર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક તપાસમાં પરિમલ હેન્ડીગ્રાફટના માલિક રિપુલ હેમંતભાઈ જોબનપુત્રા હોવાનું જાણવા મળ્યું હતું. દુકાન માલિક રિપુલભાઈના જણાવ્યા મુજબ સવારે જ્યારે આગ લાગી ત્યારે દુકાન બંધ હોય જેથી કોઈ કર્મચારીઓ ન હોવાથી સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી.

જો કે આગમાં દુકાનમાં રહેલો હેન્ડીક્રાફટનો તમામ સામાન બળીને ખાખ થઈ જતાં રૂા.40 લાખનું નુકસાન થયાનું જણાવ્યું હતું. હજુ 12 દિવસ પહેલા જ બંગડી બજારમાં આવેલા ગીફટ આર્ટીકલના પતરાના ડોમમાં આગ ભભૂકી ઉઠી હતી. જે પણ બિલ્ડીંગના ઉપરના ભાગે ડોમમાં ગોડાઉન બનાવેલું હતું તે જ રીતે ફરી આગ લાગતાં તંત્રની કાર્યવાહી ઉપર સવાલો ઉઠવા પામ્યા છે.

ટીઆરપી કાંડ બાદ સરકાર સફાડી જાગી હતી અને તમામ શહેરોમાં ગેરકાયદે ખડકાયેલા માચડાઓ તોડી પાડવા આદેશો આપ્યા હોવા છતાં રાજકોટ કોર્પોરેશન તંત્ર આવા ગેરકાયદે ખડકાયેલા માચડાઓ સામે જાણે ઘુંઘટો તાણી રહ્યું હોય તેમ હજુ પણ અનેક સ્થળે બિલ્ડીંગના ઉપરના ભાગે ડોમ જોવા મળી રહ્યાં છે તેમાં પણ ગીચ વિસ્તાર ધરાવતી બંગડી બજારમાં બિલ્ડીંગના ટેરેસ ઉપર અનેક વેપારીઓએ ગેરકાયદે ડોમ બનાવી ગોડાઉનો ઉભા કરી લીધા હોય છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે તંત્ર હજુ પણ ટીઆરપી કાંડ જેવી દુર્ઘટનાની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે.

ઘોર બેદરકારી… ફાયર એનઓસી છે જ નહીં
ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકાએ ફાયર સેફ્ટી મુદ્દે કડક કાર્યવાહી શરૂ કરી છે. ેજમાં ખાસ કરીને અગાશી ઉપર બનાવેલા ડોમ ઉપર તવાઈ ઉતારી મોટાભાગના ડોમ હટાવવામાં આવ્યા છે. અને ફાયર એનઓસી મુદ્દે પણ સીલીંગ સહિતની કડક કાર્યવાહી કરી રાજકોટના તમામ એકમોને આવરી લેવામાં આવ્યા હતાં. છતાં બંગડીબજારમાં આજે એક કોમ્પલેક્ષમાં છેલ્લા માળે આવેલા ડોમમાં આગ લાગતા મહા મહેનતે ફાયર વિભાગે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને કોઈ જાતની જાનહાની થઈ નથી. પરંતુ આ બિલ્ડીંગના ડોમ માટે ફાયર એનઓસી ન હોવાનું જાણવા મળેલ છે. બંગડી બજારમાં આજે એક કોમ્પલેક્ષમાં અગાશી ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર ડોમમાં વિકરાળ આગ લાગતા ફાયર વિભાગની ટીમ સાંકળા રસ્તા પાર કરીને મહા મહેનતે સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાતની જાનહાની ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું. પરંતુ થોડા દિવસ પહેલા આ જ બિલ્ડીંગની બાજુમાં આવેલ બિલ્ડીંગની દુકાનોમાં આગની દુર્ઘટના ઘટેલ અને ફાયર એનઓસી મુદદ્દે ફાયર વિભાગે આ બિલ્ડીંગ સીલ કર્યુ હતું. ત્યારે શરતોને આધિન સીલ ખોલવામાં આવ્યા હતાં. અને સંચાલકોએ ફાયર એનઓસી મુદદ્દે અરજી કરી હતી. છતાં આજ સુધીએનઓસી મળેલ નથી. જ્યારે આજે બાજુની બિલ્ડીંગમાં આગની દુર્ઘટના ઘટી છે ત્યારે આ બિલ્ડીંગમાં આવેલ દુકાનોના માલીકોએ તેમજ ડોમના માલીકે પણ ફાયર એનઓસી માટે અરજી કરી હોવાનું જાણવા મળેલ છે. છતાં ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ કે ફાયર એનઓસી માટે આજ સુધી કોઈ જાતની કાર્યવાહી ન થઈ હોવાનું અને ફાયર એનઓસી પણ ન મળી હોવાનું જાણવા મળેલ છે. આથી રાજકોટ શહેરમાં આ પ્રકારના અનેક એકમો આજે પણ ફાયર એનઓસીની રાહમાં અથવા ફાયર સેફ્ટીની અમલવારીમાં બેદરકાર હોય તેવુ ચીત્ર ઉપસ્યુ છે.

આગ બુઝાવતી વેળાએ પોપડું પડતાં ફાયરમેનને ઈજા

બંગડી બજારમાં પરિમલ હેન્ડીક્રાફટના ગેરકાયદે ડોમમાં આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ આગ બુજાવવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે અચાનક ઉપરથી પોપળુ પડતાં ફાયર મેન હરેશ શિયાળને હાથના ભાગે ઈજા થઈ હતી. જેથી તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફ્ાયર ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement