આણંદમાં ગરબા ગ્રાઉન્ડમાં લાગેલી આગ
નવરાત્રીની પ્રથમ રાત્રે આણંદ શહેરમાં ઠેર-ઠેર ગરબાની રમઝટ જામી હતી. દરમિયાન વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા આયોજીત વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં ઉભા કરાયેલા ફોટો બુથ ડોમમાં એકાએક આગ લાગતાં અફરાતફરી મચી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ માટે અનેકવિધ સુવિધાથી સજ્જ આ ગ્રાઉન્ડમાં આજે નવરાત્રીની પ્રથમ રાત્રે માતાજીની આરતી બાદ ગરબાની રમઝટ જામી હતી. દરમિયાન આ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે બનાવાયેલા ફોટો બુથ ડોમમાં એકાએક આગ લાગી હતી.
મંડપના કાપડને પગલે આ આગ જોતજોતામાં વધુ પ્રસરવા લાગી હતી. જેથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દરમિયાન આયોજકો, વોલેન્ટીયરો તેમજ ત્યાં હાજર લોકો આ આગ બુઝાવવા માટે પાણીનો છંટકાવ કરવા લાગ્યાં હતાં. બીજી બાજુ ઘટનાની જાણ થતાં આણંદ ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી.