શાપર-વેરાવળમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ
રાજકોટથી ત્રણ ફાયર ફાઈટરો દોડાવ્યા બાદ છ કલાકની જહેમતથી આગ કાબૂમાં આવી
પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક વીજપ્રવાહ બંધ કરી દેતાં મોટી દુર્ઘટના બનતા અટકી
શાપર-વેરાવળમાં આવેલ હાઈ-ગ્રેડ પોલીમર્સ નામના પ્લાસ્ટીકના કારખાનામાં આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. રાજકોટથી ત્રણ ફાયર ફાઈટરો આગ બુજાવવા માટે શાપર-વેરાવળ ઢોલરા રોડ પર આવેલ પ્લાસ્ટીકના કારખાના ખાતે દોડી ગયા હતાં. આશરે છ કલાકની મહેનત બાદ આગ બુજાવી નાખી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગ કારખાનામાં લાગ્યા બાદ જેસીબીની મદદથી કારખાનામાં લગાવેલા પતરા હટાવવામાં આવ્યા હતાં. તેમજ પીજીવીસીએલ તાત્કાલીક વીજ પુરવઠો બંધ કરી દેતાં મોટી દુર્ઘટના બનતા અટકી હતી.
શાપર નજીક ઢોલરા રોડ પર સર્વે નં.203માં પ્લોટ નં.5માં આવેલા હાઈગ્રેડ પોલીમર્સ નામના પ્લાસ્ટીકના કારખાનામાં આગ લાગ્યાની ખબર મળતાં રાજકોટથી મુખ્ય ફાયર સ્ટેશન, મવડી ફાયર સ્ટેશન અને રેલનગર ફાયર સ્ટેશનેથી ફાયર ફાઈટર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને છ કલાકની જહેમત બાદ આગ બુજાવી નાખી હતી. કારખાનામાં આખા શેડમાં આગ ફેલાઈ ગઈ હતી અને આખો શેડ આગની ઝપેટમાં આવી જતાં કારખાનામાં પડેલ પ્લાસ્ટીકના રો મલ્ટીયરીલ્સમાં આગ પ્રસરી હતી. ઉપરાંત મશીનરી, મોટર પેનલ, એગ્લો મશીન ઈલેકટ્રીક પેનલ સંપૂર્ણ સળગી ગઈ હતી. આખો પતરાનો શેડ આગ બાદ ધરાશાયી થયો હતો. જેને જેસીબીની મદદથી તેમજ લોડરની મદદથી હટાવવામાં આવ્યો હતો. આ બુજાવવા માટે ફાયર બ્રિગેડે પાણી ખુટી જતાં બાજુમાં આવેલ વાડીમાંથી ફેરા કરી પાણી મેળવી આગને બુજાવવા કામગીરી કરી હતી. કારખાના માલિક સંજયભાઈ ઘટના સ્થળે હાજર હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ આગ લાગી ત્યારે કારખાનાનો સ્ટાફ તાત્કાલીક બહાર નીકળી જતાં કોઈ જાનહાની કે દુર્ઘટના બની ન હતી.