બજાર સમિતિ, સહકારી મંડળી, APMCના નાણાકીય વ્યવહારો DCCB મારફત થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 10મીના બુધવારે યોજાયેલી મંત્રીમંડળ (કેબિનટ)ની બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની વિવિધ સહકારી મંડળીઓ, બજાર સમિતિઓ અને ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિઓના ખાતાઓને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલવાનો નિર્ણય લેવાયો છે. આ સંદર્ભમાં સરકારે પરિપત્ર પણ જારી કર્યો છે.
દેશમાં સહકાર સે સમૃધ્ધિના વિચારને ચરિતાર્થ કરવા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ દ્વારા જે જનહિતલક્ષી કામગીરી હાથ ધરાઇ છે. જેના ભાગરૂૂપે ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ નિર્ણય કર્યો છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓ, સભાસદો, બજાર સમિતિઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, તેના વેપારી અને કમિશન એજન્ટો તથા કર્મચારીઓના બેંક ખાતા પણ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ખોલવા જણાવાયું છે. જેના પરિણામે સહકારી મંડળીઓના ફંડ જિલ્લા બેંકમાં વધવાથી જિલ્લા બેંકો મજબૂત બનશે. જેનાથી જોડાયેલી હજારો સેવા મંડળીઓ અને સભાસદોને ફાયદો થશે. મંડળીઓ અને બજાર સમિતિઓની સાથે સાથે સભાસદો, ખેડૂતો, વેપારીઓના ખાતાઓ પણ જિલ્લા બેંકમાં ખોલવાનું કહેવાયું છે. જેના કરાણે એક જ પ્રકારની બેંકમાં ખાતા હોવાથી સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણમાં સરળતા રહેશે.
બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેના અંતર્ગત બનાસકાંઠામાં 750થી વધુ દૂધ મંડળીઓ અને 8500થી વધુ સભાસદોના કિસાન ક્રેડિટ કાર્ડ ખાતા અને 3 લાખથી વધુ વિવિધ ડિપોઝીટ ખાતા બનાસ બેંકમાં અને પંચમહાલ જિલ્લામાં 300થી વધુ દૂધ મંડળીઓ અને 53 હજારથી વધુ સભાસદોના કિસાન ક્રેડિટ કાર્ડ ખાતા અને 4.82 લાખથી વધુ વિવિધ ડિપોઝીટ ખાતાઓ પંચમહાલ બેંકમાં ખોલાયા છે. આ બંને બેંકમાં કુલ રૂૂ. 966 કરોડથી વધુની રકમની ડિપોઝીટમાં વધારો થયો છે.